China Eastern Airlines jet crash: માર્ચ મહિનામાં ચીનમાં એક ભીષણ પ્લેન અકસ્માત થયો હતો જેમાં ઈસ્ટર્ન એરલાઈન્સનું એક પ્લેન ક્રેશ થયું અને 132 લોકોએ જીવ ગુમાવ્યા. હવે આ વિમાન અકસ્માત અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લી પળોમાં વિમાનને જાણી જોઈને ઝડપથી નીચે લાવવામાં આવ્યું હોઈ શકે તેવું બની શકે. આ દાવો વિમાનના બ્લેક બોક્સથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરનારા અમેરિકી અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસના પ્રાથમિક પરિણામોના હવાલે કરાઈ રહ્યો છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન કનમિંગથી ગ્વાંગઝોઉ જઈ રહ્યું હતું. અચાનક વુઝોઉમાં ક્રેશ થઈ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચોંકાવનારા ખુલાસામાં વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકાના અધિકારીઓના હવાલે જણાવ્યું છે કે બ્લેક બોક્સમાં રેકોર્ડ થયેલા ડેટાથી જાણવા મળે છે કે કોકપિટમાં હાજર એક વ્યક્તિને ઈનપુટ અપાયું હતું, જેના પગલે વિમાન અકસ્માત થયો. આ મામલે જાણકારી ધરાવતા એક વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે વિમાને એ જ કર્યું જે કોકપિટમાં હાજર કોઈ વ્યક્તિએ તેને કરવા માટે કહ્યું હતું. રિપોર્ટ મુજબ જે જાણકારી સામે આવી છે તે પ્રાથમિક હતી અને આ મામલે વધુ માહિતી સામે આવી શકે છે. ત્યારે તે સ્પષ્ટ થશે કે આખરે તે સમયે ખરેખર શું થયું હતું? 


આ અગાઉ 20 એપ્રિલના રોજ ચીન એવિએશન રેગ્યુલેટરે પ્રાથમિક માહિતી બહાર પાડી હતી જે મુજબ વિમાનમાં કોઈ ખામી સર્જાઈ નહતી. વિમાન ક્રેશ થયું ત્યારે સામાન્ય સ્થિતિમાં હતું. જો કે વિમાન આખરે ક્રેશ કેવી રીતે થઈ ગયું તે અંગે કોઈ માહિતી અપાઈ નહતી. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના સૂત્રોના હવાલે જણાવ્યું છે કે વિમાનમાં કોઈ અન્ય વ્યક્તિ કોકપિટમાં ઘૂસી ગયો હોય અને જાણી જોઈને ક્રેશ કરાવવાનું કારણ બન્યો હોય તે વાતની પણ સંભાવના છે. વિમાન હાઈજેકના અનેક કેસમાં ક્રેશ થયાની ઘટના પણ જોવા મળતી હોય છે. 1999  બાદ પાઈલટો દ્વારા જાણી જોઈને વિમાન ક્રેશ કરાવવાની ઘટના બે વાર સામે આવી છે. 


આવી ઘટનાઓમાં એક ઘટના એ હતી કે 1999માં ઈજિપ્તએર ફ્લાઈટ 990ના કોકપિટમાં રહેલા ફર્સ્ટ ઓફિસરે વિમાનના કેપ્ટન આરામ કરવા ગયા તે સમયે ઓટોપાઈલટ અને એન્જિન બંધ કરી દીધા હતા. વિમાન એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થઈ ગયું. જેમાં 217 લોકો માર્યા ગયા હતા. એ જ પ્રકારે 2015ના માર્ચમાં જર્મનવિંગ ફ્લાઈટ 9525ના ફર્સ્ટ ઓફિસરે કેપ્ટનને કોકપિટ બહાર લોક કરી દીધો હતો અને વિમાન ફ્રાન્સના પહાડો પર ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 150 લોકો માર્યા ગયા હતા. 


ચીનનું જે પ્લેન ક્રેશ થયું હતું તે ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 ગ્વાંગઝોઉ પહોંચવાના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા ક્રેશ થઈ ગયું હતું. વિમાન અકસ્માતનો એક વીડિયો પણ તે વખતે વાયરલ થયો હતો. બોઈંગ 737-800 જેટ ઉડાણ ટ્રેકિંગ સેવા ફ્લાઈટ રડાર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ વિમાન ક્રેશ થયું તે પહેલા બે મિનિટ કરતા પણ ઓછા સમયમાં 29,000 ફૂટથી નીચે આવી ગયું હતું. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube