ચીનની અમેરિકાને ધમકી, કહ્યું- અમે પણ વળતો જવાબ આપી શકીએ છીએ...જાણો શું છે મામલો
ચીન અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ફરી એકવાર વણસ્યા છે. બંને વચ્ચે ટકરાવ શરૂ થયો છે. અમેરિકા દ્વારા કરાયેલી કાર્યવાહીને પગલે ચીને પણ અમેરિકાને ધમકી આપતાં કહ્યું છે કે, અમે પણ વળતો જવાબ આપવા માટે સક્ષમ છીએ
બીજિંગ : ચીને ચેતવણી આપી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો 200 અરબ ડોલરના સામાન પર આયાત કર વધારશે તો વળતો જવાબ આપવા માટે ચીન સક્ષમ છે. દુનિયાના મુખ્ય બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે વ્યાપારી સંબંધમાં સર્જાયેલ તણાવ ખતમ કરવા માટે આયોજિત કરાયેલી બેઠક પૂર્વે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.
ચીનના ઉપ પ્રધાનમંત્રી લિયૂ હે અને અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાજર અને અમેરિકાના નાણા મંત્રી સ્ટીવ મેનુચિન વચ્ચે વોશિંગ્ટનમાં 9-10 મે દરમિયાન બેઠક થનાર છે. બેઠક પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ચીનના 200 અરબ ડોલર મૂલ્યના ઉત્પાદનો પર શુલ્ક 10 ટકા વધારીને 25 ટકા કરશે.
ટ્રમ્પે સંભવત: વ્યાપાર યુધ્ધને ખતમ કરવા માટે વાતચીત પૂર્ણ કરવાના હેતુસર ચીન પર દબાવ લાવવા માટેના ઉદ્દેશથી આ નિવેદન આપ્યું હતું. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના આ પગલાં અંગે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, જો આવું થયું તો તે વળતો જવાબ આપવા માટે સક્ષમ છે.