લક્ઝરી હોટલોનો આ વાઈરલ VIDEO જોશો તો હોશ ઉડી જશે, ચક્કર આવી જશે
ચીનની ફાઈવ સ્ટાર હોટલોની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હી: ચીનની ફાઈવ સ્ટાર હોટલોની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. ચીનમાં એક બ્લોગરે સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક ફાઈવ સ્ટાર હોટલના સ્ટાફ દ્વારા એક જ ટુવાલથી ટોઈલેટ સીટ અને ચાના કપ તથા ખાવાની પ્લેટો સાફ થઈ રહી હોવા અંગેનો છે. આ બાજુ વીડિયોના પગલે ચીનમાં ખુબ બબાલ થઈ છે.
ચીનના હુઆજોંગ નામના એક ઈન્ટરનેટ સેલેબ્રિટીએ આ વીડિયો સોશિયલ સાઈટ Weibo (વેબો) પર પોસ્ટ કર્યો છે. હુઆજોંગે દાવો કર્યો છે કે તેમણે 147 ફાઈવ હોટલોમાં 2000થી વધુ રાત પસાર કરી અને આ કરતૂતોને પોતાની આંખે જોઈ. વીડિયોમાં ફાઈવ સ્ટાર હોટલનો એક કર્મચારી એક જ કપડાથી ટોઈલેટ, સિંક તથા પાણીના કપ વગેરે સફાઈ કરીને હોટલની ફર્શ, અને કાચ સાફ કરતો જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શાંગરી-લા, હિલ્ટન, મેરિયટ, હાયત સહિત લગભગ 14 લક્ઝરી હોટલોમાં કઈંક આ પ્રકારે જ હોટલના સ્ટાફ સફાઈ કરતા જોવા મળ્યાં.
વીડિયો (સાભાર: China Spotlight)
હિલ્ટન હોટલ એન્ડ રિસોર્ટમાં રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોમાં એક મહિલા સફાઈકર્મી ગંદા કપડાથી બાથરૂમનો કાચ, બેઝિન, ટોઈલેટ સીટ સાફ કરે છે. બીજો કર્મચારી ગંદા કપડાથી ચાના કપ સાફ કરતો જોવા મળી રહ્યો છે. હયાત હોટલમાં એક મહિલાકર્મી પોતાના એપ્રનથી કપ સૂકા કરે છે. શેરટોન હોટલમાં સફાઈકર્મી જે કપડાથી ટોઈલેટ સીટ સાફ કરે છે તે જ કપડાથી કપ સાફ કરતો જોવા મળ્યો હતો.
તમામ હોટલોએ માંગી માફી
આ બાજુ વીડિયો સામે આવ્યાં બાદ તમામ હોટલોએ પોતાના ગ્રાહકોની માફી માંગી છે અને કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. ચીનના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે એક ડઝનથી વધુ ફાઈવ સ્ટાર હોટલોમાં ખરાબ સ્વસ્છતા અંગે તપાસ શરૂ કરી છે. બ્લોગર હુઆજોંગ ચીનના બહુ મોટા વ્હિસલ બ્લોઅર છે અને અગાઉ પણ એક વીડિયો જાહેર કરીને ભ્રષ્ટાચારની પોલ ખોલી ચૂક્યા છે.