જળવાયુ પરિવર્તનના કારણે ઘઉં, અનાજ જેવા પાકના ઉત્પાદનમાં ઘટાડો થયોઃ રિપોર્ટ
જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસર યુરોપ, દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. લેટિન અમેરિકામાં તેની સકારાત્મક અસર જોવા મળી છે. જ્યારે એશિયા, ઉત્તર તથા મધ્ય અમેરિકામાં જળવાયુ પરિવર્તનની મિશ્ર અસર જોવા મળી છે.
લંડનઃ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે ઘઉં અને અનાજ જેવા મહત્વના પાકના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે અને કેટલાક દેશોમાં પાકના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. વિશ્વના ટોચના 10 પાક - જવ , કસાવા, મકાઈ, પામોલિન, સરસવ, ચોખા, જુવાર, સોયાબીન, શેરડી અને ઘઉં - સંયુક્ત રીતે આપણા ખેતરોમાં પેદા થતી કેલરીના 83 ટકા આપે છે.
મેગેઝિન પ્લોસ વનમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવાયું છે કે, જળવાયુ પરિવર્તનના કારણે ઊર્જાના આ મહત્વનાં સ્રોતનું ઉત્પાદન પહેલાથી જ પ્રભાવિત થઈ ચૂક્યું છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ હવામાન અને પાકના આંકડાનો ઉપયોગ કરીને જળવાયુ પરિવર્તનની સંભવિત અસરોનો અંદાજ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તનના કારણે ટોચના 10 પાકના ઉત્પાદનમાં મોટો ફેરફાર આવી શકે છે.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
તેમણે જણાવ્યું કે, પામોલીનના ઉત્પાદનમાં 13.4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સોયાબીનના ઉત્પાદનમાં 3.5 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં મિનેસોટા યુનિવર્સિટીના દીપક રાયે જણાવ્યું કે, "જળવાયુ પરિવર્તનના કારણે કેટલાક પાકને ફાયદો થાય છે તો કેટલાકને નુકસાન પહોંચે છે.જે દેશોમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અસુરક્ષિત છે ત્યાં સ્થિતિ વધુ ખરાબ છે."
આ રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસર યુરોપ, દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. લેટિન અમેરિકામાં તેની સકારાત્મક અસર જોવા મળી છે. જ્યારે એશિયા, ઉત્તર તથા મધ્ય અમેરિકામાં જળવાયુ પરિવર્તનની મિશ્ર અસર જોવા મળી છે.
જૂઓ LIVE TV...