નવી દિલ્લીઃ ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેક વર્તાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ કરીને રાખવામાં આવે છે. દર્દીઓને જાણે કે કેદી હોય તેવી રીતે રાખવામાં આવે છે. ત્યારે ચીનનો એક વીડિયો સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ચીનમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. આ દરમિયાન બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ એક વીડિયો શેર કર્યો છે. આમાં જોવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની હાલત કેદીઓ જેવી છે. ગોયનકાએ શેર કરેલા વીડિયોમાં જેલના કેટલાક બેરેક જેવા રૂમ જોવા મળે છે. આ સફેદ રંગના બોક્સમાં નાની બારીઓ ખુલ્લી હોય છે અને PPE કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી અમુક વસ્તુ દર્દીઓને આપે છે. ગોયન્કાએ આ સાથે કેપ્શન લખ્યું હતું કે 'જો તમે વિચારી રહ્યા છો કે આ જેલ છે તો તમે ખોટા છો. આ જેલ નથી, પરંતુ ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર છે.' જો કે આ વીડિયો ચીનના કયા પ્રાંતનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલ જેવું ચીનનું કોવિડ આઇસોલેશન સેન્ટર:
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઇસોલેશન સેન્ટર્સમાં બંધ છે. સંક્રમિત લોકોને આવી રીતે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે 'કંઈક ખોટું લાગે છે. આટલી તૈયારી અને કડકાઈ પછી પણ ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મને સમજાતું નથી કે તેઓ હવે શું છુપાવી રહ્યા છે.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે 'મને લાગે છે કે ચીનમાં કોઈ બીજી ખતરનાક બીમારી આવી ગઈ છે.' ચીનમાં જાહેર સ્થળોએ હરવા ફરવા માટે પણ હવે તમારી પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે. કોરોનાના વધતા કેસોને જોતા ચીન ફરી પોતાની ઝીરો કોરોના પોલિસી કડક કરી દીધી છે. ત્યાંના પાર્ક, શોપિંગ મોલ, થિયેટર જેવા જાહેર સ્થળોમાં પ્રવેશવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. 72 કલાક કરતાં જૂના રિપોર્ટ્સ સ્વીકારવામાં આવતા નથી.

 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube