ઇમરાન ખાને કહ્યું ચીન સાથે પાક.ની CPEC ડીલ ખોટનો સોદો : રિપોર્ટ
ચીન સાથે થયેલા સોદાના કારણે ચીની કંપનીઓને જ માત્ર ફાયદો મળી રહ્યો છે તે અયોગ્ય હોવાનું પાકિસ્તાનની નવી સરકાર માની રહી છે
નવી દિલ્હી : PoKમાંથી પસાર થઇ રહેલ ચીન- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર મુદ્દે ચીનની ચાલાકી પાકિસ્તાનની સમજમાં આવી ચુકી છે. પાકિસ્તાનની નવી ઇમરાન ખાન સરકારે ચીનની સાથે CPEC ડીલ્સને અયોગ્ય ઠેરવી છે. યુકેના અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT)એ સોમવારે દાવો કર્યો કે, પાકિસ્તાને આ તમામ ડીલ્સને અનફેર ગણાવી હતી. કારણ કે જે સમજુતીઓ કરવામાં આવી છે તેના કારણે ચીની કંપનીઓને ઘણો ફાયદો મળી રહ્યો છે. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના યુકે ડેલીનાં હવાલાથી આ સમાચાર પણ પ્રકાશીત કર્યા છે.
પાકિસ્તાની અધિકારીઓનાં હવાલાથી આવેલા સમાચાર અનુસાર ઇમરાન ખાન સરકારની ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશયેટિવ (BRI)માં પોતાની ભુમિકાની સમીક્ષા કરશે અને એક દશક કરતા પણ વધારે સમય પહેલા થયેલા આ ટ્રેડ એગ્રીમેન્ટને ફરીથી ફિક્સ કરાશે. વડાપ્રધાન ઇમરાન ખાનનાં વાણીજ્યીક, કપડા, ઉદ્યોગ અને ઉત્પાદન તતા રોકાણ મુદ્દાના સલાહકાર રજ્જાક દાઉદે કહ્યું કે, CPEC અંગે ચીનની સાથે ડીલ કરતા પાકિસ્તાનની ગત્ત સરકારે ઘણી ભુલો કરી છે. તેમણે યોગ્ય હોમવર્ક નહી કર્યું હોવાનાં કારણે પાકિસ્તાનને મહત્તમ ફાયદો થાય તેવી સમજુતી નથી કરવામાં આવી.
બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઇએ પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું કે, ઇમરાન ખાને રવિવારે કહ્યું કે, ચીનની સાથે સદાબહાર મિત્રતા પાકિસ્તાનની વિદેશ નીતિની આધારશિલા છે. આ દરમિયાન તેમણે 50 અબજ ડોલરનાં વિવાદિત CPEC પ્રોજેક્ટ લાગુ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. બીજી તરફ ચીની વિદેશમંત્રી વાંગયીએ ખાન સાથે મુલાકાત યોજીને નવી સરકાર સાથે સંબંધોને મજબુત કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે.