ક્રિકેટ ડિપ્લોમેસીઃ પીએમ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિને ગિફ્ટમાં આપ્યું ખાસ ક્રિકેટ બેટ
માલદીપ ક્રિકેટ બોર્ડ 1998માં એશિયન ક્રિકેટ પરિષદનું સભ્ય બન્યું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની માન્યતા પ્રાપ્ત છે.
નવી દિલ્હીઃ માલદીવના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019માં રમી રહેલા ભારતીય ખેલાડીઓની સહીવાળું બેટ ભેટમાં આપ્યું હતું. આ તક પર મોદીએ કહ્યું કે, ભારતના લોકો વચ્ચે સંબંધોને ગાઢ કરવા માટે માલદીવમાં રમતોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું, 'ક્રિકેટ સાથે લગાવ! મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ ક્રિકેટના પ્રશંસક છે, તેથી હું તેમને ક્રિકેટ વિશ્વ કપ 2019માં રમી રહેલી ભારતીય ટીમના હસ્તાક્ષરવાળું બેટ ભેટ કરી રહ્યો છું.'
આ પહેલા વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યું હતું કે ભારત માલદીવને ક્રિકેટ ખેલાડીઓની ટ્રેનિંગમાં અને તેને રમતમાં અપેક્ષિત સ્તર સુધી લાવવા માટે મદદ કરી રહ્યું છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ભારત આ દક્ષિણ એશિયન દેશમાં એક સ્ટેડિયમનું નિર્માણ કરવાની તૈયારી પણ કરી રહ્યું છે, જે માટે તેમણે વિનંતી કરી છે. મહત્વનું છે કે માલદીવ ક્રિકેટ બોર્ડ 1998માં એશિયન ક્રિકેટ પરિષદનું સભ્ય બન્યું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની માન્યતા પ્રાપ્ત છે.
એપ્રિલમાં સોલિહ બેંગલુરૂમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં પણ જોવા પહોંચ્યા હતા અને ફરી માલદીવમાં પણ એક ક્રિકેટ ટીમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે આ માટે પોતાની ટીમની ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને ભારતની સહાયતા માગી હતી.