હવે દાઉદ ઈબ્રાહિમ આવશે સાણસામાં! ખાસ માણસ ગણાતા ઝબીર મોતીની લંડનમાં ધરપકડ
1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના ગુનેહગાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો ગણાતો અને જમણો હાથ એવો ઝબીર મોતી લંડનમાં દબોચાયો છે.
લંડન/નવી દિલ્હી: 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના ગુનેહગાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો ગણાતો અને જમણો હાથ એવો ઝબીર મોતી લંડનમાં દબોચાયો છે. મળતી માહિતી મુજબ લંડનની ચારિંગ ક્રોસ પોલીસે શુક્રવારના રોજ હિલ્ટન હોટલમાંથી તેની ધરપકડ કરી લીધી છે. તેની ધરપકડથી ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે.
કહેવાય છે કે ઝબીરની પૂછપરછમાં ડી કંપનીના સંબંધમાં ઊંડી જાણકારી મળી શકશે અને દાઉદના અનેક રહસ્યોનો ઘટસ્ફોટ થશે. બ્રિટનની એજન્સીઓ તેમના ત્યાં થનારી વારદાતોમાં ડી કંપનીના સામેલ હોવા સંબંધી અને બ્રિટનમાં તેમની કાર્યપ્રણાલી સંબંધી જાણકારી મેળવવાનો પણ પ્રયત્ન કરશે.
ઝબીર મોતી દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના નાણાકીય કામકાજને સંભાળે છે. તે તેનો ઈન્ચાર્જ છે. લંડન પોલીસને આ સફળતા ઝબીર મોતીના દાઉદ ઈબ્રાહીમ, તેની પત્ની અને કરાંચી તથા દુબઈમાં રહેનારા તેમના સંબંધીઓ વચ્ચેની નાણાકીય લેવડદેવહ સંબંધી મામલાઓની તપાસ દરમિયાન મળી.
ઝબીર પાકિસ્તાનનો નાગરિક છે અને દસ વર્ષના વિઝા પર બ્રિટન આવ્યો હતો. ઝબીર દાઉદનો ખાસ માણસ છે. તે દાઉદની પત્ની મહઝબીન, પુત્ર મોઈન નવાઝ, બે પુત્રીઓ મહેરુક અને મહરીન, તેના જમાઈ જુનૈદ અને ઔરંગઝેબના આર્થિક કામકાજને સંભાળતો હતો. પાકિસ્તાન, ખાડી દેશો, બ્રિટન, યુરોપ અને દક્ષિણ એશિયાઈ દેશોમાં ફેલાયેલા દાઉદના કારોબારને પણ ઝબીર જ સંભાળતો હતો.
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે દાઉદના તમામ કાળા કામોથી થનારી કમાણીનો ઉપયોગ આતંકીઓની મદદ માટે થાય છે. એ પણ જણાવાઈ રહ્યું છે કે દાઉદના પરિવારને બ્રિટનમાં વસાવવા સંબંધી વિકલ્પમાં ઝબીરની મુખ્ય ભૂમિકા છે. કરાચીમાં દાઉદના પરિવારના આધિપત્યવાળી પ્રોપર્ટીમાં ઝબીરની પોતાની પણ પ્રોપર્ટી છે.
હાલમાં જ ઝબીરે બારબાડોસ, એન્ટિગુઆ, ડોમિનિયન રિપબ્લિકમાં બેવડી નાગરિકતા મેળવવા અને હંગેરીમાં સ્થાયી નાગરિક સ્ટેટસ મેળવવાની કોશિશ કરી હતી. દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે. આ વિસ્ફોટોમાં લગભગ 250 જેટલા લોકોના મોત થયા હતાં. દાઉદને સ્પેશિયલ ડિઝિગ્નેટેડ ઈન્ટરનેશનલ ટેરેરિસ્ટ (SDGT) જાહેર કરવામાં આવ્યો છે.