ઈસ્લામાબાદ: કાશ્મીર મામલે દુનિયાભરના નેતાઓએ ધુત્કાર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બરાબર ધૂંધવાયા છે. આંતરરાષ્ટ્રીય પટલ પર કોઈ પણ રીતે કૂટનીતિક સફળતા ન મળ્યા બાદ હવે તેઓ પોતાના ઓફિસરો પર કેર વર્તાવા માંડ્યા છે. અમેરિકા પ્રવાસમાં જે ફજેતી થઈ તેનાથી ઈમરાન ખાન અકળાયા છે અને તેનો પહેલો જ ભોગ બન્યાં સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધી. તેમણે મલીહા લોધીને યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ તરીકના હોદ્દા પરથી હટાવી દીધા છે. મલીહાની જગ્યાએ હવે મુનીર અકરમ યુએનમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. અકરમ અગાઉ પણ 6 વર્ષ યુએનમાં સ્થાયી પ્રતિનિધિ રહી ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુદ્ધ અને હથિયાર ઉઠાવવા જેવી વાતો ભાષણમાં કર્યા બાદ ઈમરાન ખાનની ચારેબાજુ ખુબ ફજેતી થઈ. તેમણે પોતાનો આ ગુસ્સો મલીહા લોધી પર ઉતાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ ખુબ કાગારોળ મચાવી હતી. પરંતુ કોઈ પણ દેશે તેને બહુ ભાવ આપ્યો નહીં. મુસ્લિમ દેશોનું સમર્થન મેળવવા માટે ઈમરાન ખાને શાંતિનો સંદેશ આપવાના મંચ પરથી ભડકાઉ ભાષણ પણ કર્યું પરંતુ તેનાથી તેમને કશો લાભ થયો નહીં. દરેક મોરચે તેમણે કારમી હારનો સામનો કરવો પડ્યો. ઈમરાન ખાનની સરકારને લાગે છે કે જમ્મુ અને કાશ્મીર મુદ્દે મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો પક્ષ મજબુત કરવામાં નિષ્ફળ ગયા અને આ કારણે પીએમ ઈમરાન ખાન ખુબ નારાજ થઈ ગયા. 



બ્રિટિશ પીએમને ભૂલથી વિદેશ મંત્રી ગણાવી ચૂક્યા છે લોધી
ઈમરાન ખાનના યુએસ પ્રવાસ દરમિયાન મલીહા લોધીએ તેમના અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોનસનની મુલાકાત અંગે એક ફોટો ટ્વીટ કર્યો હતો પરંતુ તેમાં કેપ્શન લખવામાં મોટી ભૂલ કરી નાખી. તેમણે ફોટો કેપ્શનમાં વડાપ્રધાન ઈમરાન ખાન અને બ્રિટનના વિદેશ મંત્રી બોરિસ જહોનસનની મુલાકાત ગણાવી. જો કે ભૂલ ધ્યાનમાં આવતા લોધીએ પછીથી ટ્વીટ ડીલિટ કરી નાખી હતી. 


જુઓ LIVE TV



પેલેસ્ટાઈનની છોકરીને ગણાવી હતી કાશ્મીરી
મલીહા લોધીએ કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ભૂલો પર ભૂલો કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં દાવો કર્યો હતો કે કાશ્મીરી  લોકો પર ભારત અત્યાચાર કરી રહ્યું છે અને તેના પુરાવા તરીકે તેમણે તસવીર રજુ કરી હતી પરંતુ તે ખોટી નીકળી. તેમણે એક પેલેસ્ટાઈનની યુવતીને કાશ્મીરી ગણાવી હતી. પાકિસ્તાન સરકારે વર્ષ 2015માં મલીહા લોધીને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના દેશના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતાં.