લાહોરઃ ભારતના સખત વિરોધ છતાં મંગળવારે પાકિસ્તાન અને ચીન વચ્ચે લાહોરથી લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન આધારીત ડોન ન્યૂઝના જણાવ્યા અનુસાર, 'ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)' પર લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેનું સંચાલન પાકિસ્તાન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને શુજા એક્સપ્રેસ દ્વારા કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ ગઈકાલે જ નવી દિલ્હી દ્વારા બંને દેશના આ પગલાને 'ગારકાયદે અને અયોગ્ય' કહીને વખોડી કાઢવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે વિરોધ વ્યક્ત કરતા ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, 'આ બસ સેવા ભારતના સાર્વભૌમત્વ અને સહરદીય અખંડિતતાનું ઉલ્લંઘન છે.'


ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "ચીન-પાકિસ્તાનનો 1963નો કથિત 'સરહદ કરાર' ગેરકાયદે અને અયોગ્ય છે. ભારત સરકાર દ્વારા તેને ક્યારેય માન્યતા આપવામાં આવી નથી. આથી, પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈને જતી જે બસ સેવાનો પ્રારંભ કરાયો છે તે ભારતના સાર્વભૌમત્વ અને સહરદીય અખંડિતતાનું ઉલ્લંઘન છે."


જોકે, ભારતના આ વિરોધને પાકિસ્તાને વખોડી કાઢ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને 'ગેરમાર્ગે' દોરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, ભારતનો દાવો 'ઈતિહાસની વાસ્તવિક્તાને બદલી શકે નહીં.'


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જે વિરોધ કરાયો છે અને ચીનપાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાંથી પસાર થવાની જે બસ સેવા અંગે નિવેદન આપવામાં આવ્યું છે તેને અમે ફગાવી દઈએ છીએ. ભારત દ્વારા કાશ્મિર પર વારંવાર જે દાવો રજૂ કરવામાં આવે છે તેનાથી ઈતિહાસની વાસ્તવિક્તા બદલાતી નથી કે જમ્મુ-કાશ્મિર વિવાદનું સમાધાન પણ નિકળતું નથી."


પાકિસ્તાને વધુમાં જણાવ્યું હતું કે, "સમગ્ર જમ્મુ-કાશ્મિર રાજ્ય જ 'વિવાદિત' છે અને તેના પરના દાવાનો ઉકેલ તો સંયુક્ત રાષ્ટ્રોમાં લોકશાહી અને નિષ્પક્ષ સુનાવણીમાં જ આવી શકે છે."


ચીને પણ ભારતના વિરોધને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, CPEC એ એક આર્થિક સહકાર અંગેનું પગલું છે અને તેમાં કોઈ ત્રીજા દેશને ટાર્ગેટ કરાયો નથી. 


ભારત દ્વારા બસ સેવા શરૂ કરાયા બાદ હજુ સુધી કોઈ નવું નિવેદન આપવામાં આવ્યું નથી. 


ડોન ન્યૂઝમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, લાહોરથી ચીનના ઝિનજિયાંગ પ્રાન્તમાં આવેલા કાશગર સુધીની 36 કલાકની આ મુસાફરી માટે એક વ્યક્તિ પાસે કાયદેસરનો વિઝા હોવો અનિવાર્ય છે. આ બસ સેવામાં એક તરફનું ભાડું રૂ.13,000 છે અને રિટર્ન ભાડું રૂ.23,000 છે.