ઢાકા: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના બાંગ્લાદેશ પ્રવાસના ત્રીજા દિવસે જીર્ણોદ્ધાર કરાયેલા ઐતિહાસિક શ્રી રમણા કાલી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમના પત્ની સવિતા અને પુત્રી તેમની સાથે ઉપસ્થિત હતાં. શુક્રવારની સવારે રાષ્ટ્રપતિ કોવિંદ તેમના પત્ની અને પુત્રી સાથે મંદિર પરિસરમાં પહોંચ્યા, જ્યાં તેમણે વિધિપૂર્વક માતા કાલીનું પૂજન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સર્ચલાઇટ ચલાવ્યું હતું. જેમાં આ મંદિરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામા આવ્યું હતું. તેના 50 વર્ષ બાદ જીર્ણોદ્ધાર કરવામા આવ્યો છે. આ પુનર્નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર પ્રતિકાત્મક જ નથી પરંતુ બન્ને દેશોના મૈત્રી સંબંધો માટે અત્યંત લાગણીસભર ક્ષણ છે. 


આ બાબતે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રાષ્ટ્રપતિની તસવીર ટ્વિટ કરતા કહ્યું, “રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઢાકામાં પુનર્નિર્માણ રમણા કાલી મંદિરનું ઉદ્ઘાટન કર્યું. દેવી કાલીનું આ મંદિર સદીઓ જૂનું છે.
2017માં મંદિર નિર્માણકાર્ય શરૂ થયું હતું.


મંદિરના નિર્માણના ઇતિહાસ તરફ નજર કરીએ તો પાકિસ્તાનના અધમ કૃત્યમાં નષ્ટ થયા બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની માંગણી પર વર્ષ 2000માં શેખ હસીનાની સરકારે કાલી પૂજાની મંજૂરી આપી હતી. 2004માં અહીં માતા કાલીની મૂર્તિ સ્થાપિત કરવામા આવી અને ત્યારબાદ 2006માં ખાલિદા જિયા સરકારે છેવટે હિન્દુઓને મંદિર નિર્માણની મંજૂરી આપી હતી. તેના માટે ત્યાંની સરકારે જ 2.5 એકર જમીન આપી હતી પરંતુ વહીવટી ગૂંચના લીધે નિર્માણ કાર્ય લટકી ગયું હતું. 2017માં તત્કાલિન વિદેશ મંત્રી સુષમા સ્વરાજના પ્રવાસ બાદ મંદિર નિર્માણનું કામ શરૂ થઇ શક્યું હતું. તે સમયે ભારતે જાહેરાત કરી હતી કે મંદિરના નિર્માણમાં ભારત બાંગ્લાદેશની મદદ કરશે. 


રાષ્ટ્રપતિ બાંગ્લાદેશના ત્રણ દિવસના પ્રવાસે છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15-17 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશના સત્તાવાર પ્રવાસે છે. પ્રવાસના પહેલા દિવસે એરપોર્ટ પર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ અબ્દુલ હમીદે તેમના પત્ની સાથે તેમની આગેવાની કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને પક્ષે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામા આવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ સાથે તેમના પત્ની, પુત્રી, શિક્ષણરાજ્ય મંત્રી ડો. સુભાષ સરકાર, સાંસદ રાજદીપ રાય અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube