ડોનાલ્ડ ટ્રમ્પની એક ટ્વિટથી હિન્દુઓ ભડકી ગયા, મચ્યો ખુબ હોબાળો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દીવાળી પર શુભકામના માટે કરેલી ટ્વિટને લઈને હોબાળો મચી ગયો છે.
ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દીવાળી પર શુભકામના માટે કરેલી ટ્વિટને લઈને હોબાળો મચી ગયો છે. ટ્રમ્પે જે ટ્વિટ કરી તેમા બૌદ્ધ, સિખો અને જૈનના તહેવાર તરીકે દીવાળીનો ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પે ટ્વીટમાં સ્પષ્ટ રીતે હિન્દુઓને બાકાત રાખવાની થયેલી ચૂકથી લોકો ઉકળી ગયા છે. જો કે અન્ય એક ટ્વિટમાં ટ્રમ્પે કહ્યું કે મારા માટે વ્હાઈટ હાઉસમાં હિન્દુ પર્વ દીવાળીનો સમારોહ આયોજિત કરવો એ ખુબ સન્માનની વાત છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવાળી સમારોહનું આયોજન મંગળવારે હિન્દુ પરંપરા મુજબ કર્યું. આ વિવાદ ટ્રમ્પની ટ્વિટથી પેદા થયો છે.
ટ્રમ્પની ટ્વિટ તેમના તે ભાષણ પર આધારિત હતી જે ક્રમમાં નહતું અને આવું પહેલી ટ્વિટને ડીલિટ કર્યા બાદ ફરીથી પોસ્ટ કરવાના કારણે થયું. ટ્રમ્પે દીવાળીના અવસરે ભેગા થયેલા લોકોને ખુબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ ગણાવ્યાં. ટ્રમ્પે પોતાનું પહેલેથી જ રેડી કરાયેલું ભાષણ વાંચ્યું.
ટ્રમ્પે ભાષણમાં કહ્યું કે હું હિન્દુ પ્રકાશ પર્વ દીવાળીના સમારોહમાં ભાગ લઈને રોમાંચિત છું અને હું વ્હાઈટ હાઉસમાં આ ખુબસુરત તહેવારને આયોજિત કરીને સન્માનિત મહેસૂસ કરી રહ્યો છું. તેમણે પોતાના ભાષણને અધવચ્ચે રોકીને કેલિફોર્નિયામાં જંગલની આગથી થયેલી તબાહીનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં 40થી વધુ લોકો માર્યા ગયા છે.
તેમણે ફાયરકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો અને પીડિતોને મદદનો ભરોસો અપાવ્યો. ત્યારબાદ તેઓ ફરીથી દીવાળી ભાષણ પર પાછા ફર્યાં. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે અમે આજે અમેરિકામાં તથા દુનિયાભરમાં બૌદ્ધ, સિખો અને જૈનો દ્વારા મનાવવામાં આવનારા ખુબ જ વિશેષ તહેવારને મનાવવા માટે ભેગા થયા છીએ.
પરંતુ ટ્રમ્પની બીજી ટ્વિટ આવતા પહેલા જ સોશિયલ મીડિયા પર ગણતરીની પળોમાં ખુબ જ ઝડપથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ. ટ્રમ્પે પોતાની બીજી ટ્વિટમાં હિન્દુઓના તહેવારની વાત સામેલ કરી. ટ્રમ્પની પહેલી ટ્વિટ દીવાળીના ભાષણના બીજા હિસ્સાથી કરવામાં આવી હતી. જેને લઈને તેમણે ટ્રોલ થવું પડ્યું.