કરાકસ: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો થયો. માદુરો રાજધાની કરાકસમાં નેશનલ ગાર્ડના 81 વર્ષ પૂરા થવા બદલ યોજાયેલા એક સમારંભમાં ભાષણ આપી રહ્યાં હતાં. અચાનક તેમની પાસે આવીને વિસ્ફોટક પડ્યો. ત્યારબાદ તેમણે ભાષણ અધવચ્ચે જ રોક્યું અને કરાકસ સેના રાષ્ટ્રપતિને તરત ત્યાંથી સુરક્ષિત સ્થાને લઈ ગઈ. સરકારે કહ્યું કે આ સમગ્ર ઘટનામાં સાત સૈનિકો ઘાયલ થયા છે. નિકોલસ માદુરોએ ઘટના બાદ સરકારી ચેનલ પર કહ્યું કે આ હુમલો મારી હત્યા માટે કરવામાં આવ્યો હતો., આજે તેમણે મારી હત્યાની કોશિશ કરી. તેમણે કહ્યું કે એક ઉડતી વસ્તુ મારી નજીક  આવીને વિસ્ફોટ થયો. તેમણે એમ પણ કહ્યું કે હુમલામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માદુરોએ આ હુમલા માટે પાડોશી દેશ કોલંબિયા અને અમેરિકાના અજ્ઞાત 'ફાઈનાન્સરો'ને જવાબદાર ઠેરવ્યાં. બીજી બાજુ અન્ય કેટલાક અધિકારીઓએ આ હુમલા માટે વેનેઝુએલાના વિપક્ષી જૂથને જવાબદાર ઠેરવ્યું. કોલંબિયાના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે' એએફપી' સાથે વાત દરમિયાન તમામ આરોપોને ફગાવ્યાં. તેમણે કહ્યું કે માદુરોના આરોપ 'નિરાધાર' છે.


વેનેઝુએલાના સરકાર ટેલિવિઝન પર દેખાડવામાં આવતી તસવીરો મુજબ ભાષણ આપતા માદુરો પાસે જ્યારે અચાનક કઈંક પડવાનો અવાજ આવ્યો ત્યારે તેઓ ચોંકી ગયાં. એટલામાં ત્યાં હાજર દેશના નેશનલ ગાર્ડના જવાનો એકદમ હરકતમાં આવી ગયા અને સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયાં. 


જો કે ટેલિવિઝન પર કોઈ ડ્રોન નજરે ચડ્યું નહીં. ફક્ત અંગરક્ષક માદુરોની સામે બેલિસ્ટિક ઢાલ લઈને બચાવવા માટે પહોંચ્યાં અને ત્યારબાદ અચાનક પ્રસારણ જ બંધ થઈ ગયું. આ દરમિયાન એપીના અહેવાલ મુજબ સૂચના મંત્રી જ્યોર્જ રોડ્રિગેજે જણાવ્યું કે 'સ્થાનિક સમય મુજબ બરાબર 5.41 મિનિટ પર અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા. તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે વિસ્ફોટ સામગ્રી ડ્રોન જેવી કોઈ વસ્તુમાં લાવવામાં આવી.' જ્યારે અન્ય 3 સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ પરિસરમાં એક ગેસ ટેંકમાં થયેલા વિસ્ફોટના કારણે થયો. 


ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ જોર્ગ રોડ્રિગેજે હુમલા માટે વિપક્ષ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જે રીતે મેમાં થયેલી ચૂંટણીઓમાં વિપક્ષને હારનો સામનો કરવો પડ્યો, તે જ રીતે તેઓ આ હુમલામાં પણ અસફળ રહ્યાં. અમારા રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. બીજી બાજુ નેશનલ મૂવમેન્ટ ઓફ સોલ્જર્સ ઈન ટીશર્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું કે અમે દુનિયાને દેખાડ્યું છે કે તેમને કેટલી સરળતાથી નિશાન બનાવી શકાય છે. અમને આજે સફળતા ન મળી પરંતુ આ સમયની વાત છે. આ સંગઠન 2014માં બનાવવામાં આવેલું હતું. 


આ અગાઉ જૂન 2017માં વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટ પર એક હેલિકોપ્ટરથી બોમ્બ પ્લાન્ટ થયો હતો. હેલિકોપ્ટરના પાઈલટ ઓસ્કર પેરેઝે વેનેઝુએલાના નાગરિકોને માદુરો વિરુદ્ધ ઊભા રહેવાની અપીલ કરી હતી.