Facebook Services Resumed: 6 કલાકની જદ્દોજહેમત બાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ફરી શરૂ, જાણો શું કહ્યું માર્ક ઝુકરબર્ગે?
ફેસબુક (Facebook) અને તેની સહયોગી કંપનીઓ ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (Whatsapp) ની સર્વિસ હાલ બહાલ થઈ ગઈ છે.
નવી દિલ્હી: ફેસબુક (Facebook) અને તેની સહયોગી કંપનીઓ ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (Whatsapp) ની સર્વિસ હાલ બહાલ થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું કે દુનિયાભરમાં ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવા કલાકો સુધી બંધ રહી. સોમવારે રાતે લગભગ 9.15 વાગે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઠપ થઈ ગઈ અને ત્યારબાદ તરત ટ્વિટર પર ટ્વિટનો મારો થવા લાગ્યો. મંગળવારે સવારે 4 વાગે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ફરીથી કાર્યરત થયા. જો કે હજુ પણ સ્પીડ ધીમી છે.
માર્ક ઝુકરબર્ગે ખેદ વ્યક્ત કર્યો
સોશિયલ મીડિયા પ્લેફોર્મ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર ફરીથી ઓનલાઈન થઈ ગયા છે. અડચણ બદલ ખેદ છે. મને ખબર છે કે જે લોકોની તમે કેર કરો છો, તેમની સાથે જોડાયેલા રહેવા માટે તમને અમારી સર્વિસ પર કેટલો ભરોસો છે.
સર્વિસ શરૂ થયા બાદ ફેસબુકે ટ્વિટર પર કહ્યું કે દુનિયાભરના લોકો અને વેપાર જે અમારા પર નિર્ભર છે તેમના માટે અમને ખેદ છે. અમે અમારી એપ્સ અને સેવાઓને સંપૂર્ણ રીતે બહાલ કરવા માટે ખુબ મહેનત કરી રહ્યા છીએ. અમને એ જણાવતા ખુશી થાય છે કે તે ફરીથી ઓનલાઈન પાછા ફરી રહ્યા છે. અમારી સાથે રહેવા બદલ આભાર. જ્યારે ઈન્સ્ટાગ્રામ તરફથી ટ્વીટ કરીને કહેવાયું કે ઈન્સ્ટાગ્રામ ધીરે ધીરે પરંતુ નિશ્ચિતપણે હવે પાછું ફરી રહ્યું છે. અમારી સાથે રહેવા બદલ આભાર અને ઈન્તજાર કરાવવા બદલ ખેદ છે.
ધૈર્ય માટે આભાર
મેસેજ શેરિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ટ્વીટ કરીને જણાવ્યું કે જે આજે વોટ્સએપનો ઉપયોગ કરી શક્યા નથી તેમની માફી માંગીએ છીએ. અમે ધીરે ધીરે અને સાવધાની સાથે વોટ્સએપનું ફરીથી કામ કરવાનું શરૂ કરાવી રહ્યા છીએ અને જાણકારી હશે તો અમે તમને અપડેટ રાખતા રહીશું.
આ અગાઉ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપે પણ યૂઝર્સને હૈયાધારણ આપવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. સૌથી પહેલા વોટ્સએપ, ત્યારબાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સર્વિસ બહાલીના પ્રયત્નો થઈ રહ્યા છે. જો કે કંપનીએ એ નથી જણાવ્યું કે આ મુસીબતનું કારણ શું હોઈ શકે છે. વેબસાઈટ્સ અને એપમાં મુશ્કેલી થવી સામાન્ય છે. જો કે વૈશ્વિક સ્તરે આવું થવું દુર્લભ છે. યુઝર્સે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક અને યુરોપમાં ફેસબુકનો ઉપયોગ ન થઈ શકવાની સૂચના આપી હતી.
મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ફેસબુક
અત્રે જણાવવાનું કે ફેસબુક એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કારણ કે કંપનીના પ્રોડક્ટ્સ અને નિર્ણયોના નેગેટિવ પ્રભાવ અંગે ઈન્ટરનેટ રિસર્ચને લઈને કંપની વિશે ફ્રાંન્સેસ હોગેન નામની મહિલાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. આ મહિલાના હવાલે 'ધ વોલ સ્ટ્રી જર્નલ'એ અનેક લેખ પણ પ્રકાશિત કર્યા. ફ્રાન્સેસ હોગેને જ ફેડરલ લો એનફોર્સમેન્ટ (Federal Law Enforcement) સામે ફરિયાદ નોંધાવી હતી કે કંપનીના પોતાના રિસર્ચથી જાણવા મળે છે કે તે નફરત અને ખોટી સૂચનાઓને કેવી રીતે પ્રોત્સાહન આપે છે. જેનાથી ધ્રુવીકરણ વધે છે અને ઈન્સ્ટાગ્રામ ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ભારતમાં આટલા યૂઝર્સ
આ વૈશ્વિક સમસ્યા કયા કારણે ઊભી થઈ તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી . ભારત સહિત કેલિફોર્નિયા, ન્યૂયોર્ક અને યુરોપમાં ફેસબુક વોટ્સએપ ઠપ થયા. ભારતની વાત કરીએ તો ફેસબુકના ભારતમાં 41 કરોડ યૂઝર્સ છે. જ્યારે વોટ્સએપ 53 કરોડ ભારતીયો વાપરે છે. દેશમાં 21 કરોડથી વધુ લોકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube