નવી દિલ્હીઃ અનેક ભારતીય વિદેશમાં વસે છે, તો અનેક લોકો હરવા ફરવા માટે જાય છે. પરંતુ પાકિસ્તાન જેવા દેશમાં જનારા ભારતીયોની સંખ્યા ખુબ જ ઓછી છે. પરંતુ, જો તમે પાકિસ્તાન જાઓ  અને તેમાંય કરાચીમાં જાઓ તો તમારે ગુજરાતી ફૂડ માટે ગુજરાત પાછા આવો ત્યાં સુધી રાહ જોવી નહીં પડે. કરાચીમાં એક એવી રેસ્ટોરેન્ટ છે જ્યાં તમને અસલ ગુજરાતી ફૂડ મળી રહેશે. અહીં પીરસાતી ગુજરાતી થાળીમાં તમને ઢોકળા, સેવ ટમેટાંનું શાક, ગુજરાતી કઢી સહિતની વસ્તુઓ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં આવેલા રાજધાની ડિલાઈટ્સ રેસ્ટોરેન્ટમાં ઓથેન્ટિક ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. આ રેસ્ટોરાં મોહમ્મદ ગાંગણીએ વર્ષ 2013માં શરૂ કરી હતી. તેઓ વર્ષ 1971માં કચ્છથી પાકિસ્તાન ગયા હતા. રેસ્ટોરેન્ટના મેનેજર જેરોમ અર્નેસ્ટે જણાવ્યું હતું કે, 'મોહમ્મદ ગાંગાણીએ ગુજરાતી રેસિપી અહીંના સ્થાનિક રસોઈયાઓને શીખવી હતી અને હવે અમે અસલ ગુજરાતી ટેસ્ટ સાથેનું ફૂડ પીરસીએ છીએ.' તેમણે જણાવ્યું કે, કરાચીમાં ઘણા ગુજરાતી લોકો રહે છે અને રેસ્ટોરાંમાં વિશ્વભરમાંથી મહેમાનો આવે છે. તેમણે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનના ઘણા સેલિબ્રિટીઓએ અહીંના ગુજરાતી ફૂડનો સ્વાદ માણ્યો છે.


ઓમપુરીએ પણ લીધી હતી મુલાકાત-
રેસ્ટોરાંના મેનેજરે જણાવ્યું હતું કે, બોલિવુડના દિવગંત એક્ટર ઓમપુરી તેમના મૃત્યુના એક મહિના પહેલા પાકિસ્તાન આવ્યા હતા, ત્યારે તેમણે આ રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. તેમને અહીંનું ફૂડ ઘણું પસંદ આવ્યું હતું અને અહીં ઘણો સમય પસાર કર્યો હતો. તેમણે અહીંના સ્ટાફ સાથે તસવીરો પણ પડાવી હતી. તેમણે જણાવ્યું કે, અહીંનું બધું ફૂડ ઘણું લોકપ્રિય છે, પરંતુ રવા ઢોકળા અને ગુજરાતી કઢીની ગ્રાહકોમાં વધારે ડિમાન્ડ રહે છે. આ રેસ્ટોરામાં રાજસ્થાની ફૂડ પણ મળે છે.


દરરોજ 100 વધુ ગ્રાહકો ગુજરાતી થાળી ખાવા આવે છે-
ગાંગાણી પોતે ગુજરાતના હોવાથી તેમને ગુજરાતી ફૂડ ઘણું પસંદ છે. એટલે તેમણે આ રેસ્ટોરાં શરૂ કરી હતી. આ રેસ્ટોરાંમાં ગુજરાતી થાળીનો ભાવ 1000 પાકિસ્તાની રૂપિયા + ટેક્સ એટલે 130 રૂપિયા થાય છે. આ રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી ખાવા રોજ સરેરાશ 100 લોકો આવે છે. કરાચીમાં રહેતા મુસ્લિમ ગુજરાતી પરિવારમાંથી આવતા અલિના મણિયારે જણાવ્યું હતું કે, કરાચીમાં ઘણા મોટા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. તેમણે જણાવ્યું કે, તેઓ ઘરે રેગ્યુલર ગુજરાતી ફૂડ ખાય છે, પરંતુ ગુજરાતી ફૂડ મળતું હોય તેવી રેસ્ટોરાં ન હતી. રાજધાની જ એકમાત્ર રેસ્ટોરાં છે, જ્યાં ઓથેન્ટિક ગુજરાતી ફૂડ મળે છે.