અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલોમાં લાગેલી આગની જ્વાળાઓ લોસ એન્જેલસ શહેર સુધી પહોંચી ગઈ છે. આ ભીષણ આગે 1 હજારથી વધુ ઘરોને પોતાની ઝપેટમાં લઈને તબાહી મચાવી છે. સીએનએનના જણાવ્યાં મુજબ આ આગે અત્યાર સુધીમાં 5 લોકોના જીવ લીધા છે અને મોતનો આંકડો વધવાની આશંકા છે. આગના કારણે 70 હજાર લોકોએ વિસ્થાપિત થવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકરાળ આગ
એવું કહી શકાય કે જંગલોની આ આગનું વિકરાળ સ્વરૂપ આ વખતે શહેરો સુધી પહોંચ્યું અને હવે ઝડપથી તે ફેલાઈ રહી છે. લોસ એન્જેલસથી આ આગની ભયાનક તસવીરો સામે  આવી રહી છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે મોટી મોટી ઈમારતો આ આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ. 


કઈ રીતે પહોંચી લોસ એન્જેલસ
સામાન્ય રીતે જંગલો સુધી સીમિત રહેતો દાવાનળ આ વખતે લોસ એન્જેલસ શહેર સુધી કેવી રીતે પહોંચી ગયો તેની પાછળનું કારણ ભારે પવન હોવાનું કહેવાય છે. આ પવન આગને ભડકાવી રહ્યો છે અને આગ ઓલવવામાં વિધ્ન નાખી રહ્યો છે. પવનના પગલે આગ ઝડપથી ફેલાઈ રહી છે. એવું કહેવાય છે કે આગ લાગવાની ઘટના સૌથી પહેલા મંગળવારે (7 જાન્યુઆરી)ના રોજ સામે આવી હતી. જે ત્યારથી લઈને અત્યાર સુધી ઝડપથી ફેલાઈ રહી છે. 


સેલિબ્રિટીઓના ઘર જોખમમાં
જંગલોની આગે સૌથી વધુ પેસેફિક પેલિસેડ્સ વિસ્તારમાં નુકસાન પહોંચાડ્યું છે. અહીં આગના કારણે 5 હજાર એકરથી વધુનો વિસ્તાર ઝપેટમાં આવ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાંથી થોડે દૂર જ અનેક ફિલ્મ, ટેલિવિઝન અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હસ્તીઓના ઘર છે. લોસ એન્જેલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થની માર્રોને કહ્યું કે અત્યાર સુધીમાં આગના કારણે 1 હજારથી વધુ ઈમારતો તબાહ થઈ ગઈ છે. જ્યારે 5 લોકોના મોત થયા છે. ટેક અબજપતિ અને ટ્રમ્પની નજીક  એવા એલન મસ્કે ઝડપથી ફેલાતી આગનો એક વીડિયો પણ શેર કર્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ છે કે આ વીડિયો તેમને લોસ એન્જેલસથી એક મિત્રએ મોકલ્યો છે. 



આગ પર રાજકારણ
આગથી થયેલી આ ભારે તબાહી પર વ્હાઈટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે હાલના રાષ્ટ્રપતિ જો બાઈડેને કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂસમ, લોસ એન્જેલસના મેયર બાસ અને અનેક ટીમોના સંપર્કમાં છે. તેઓ આગ ઓલવવાની વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. આગ ઓલવવા માટે 5 યુએસ વન સેવાના મોટા એર ટેન્કરોનો ઉપયોગ થઈ રહ્યો છે અને ટેન્કર મોકલવામાં આવ્યા છે જે રસ્તામાં છે. આ સાથે જ 10 હેલિકોપ્ટરનોની પણ મદદ લેવાઈ રહી છે. 


આ બધા વચ્ચે આગ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે લોસ એન્જેલસમાં લાગેલી આગ ડોલર પ્રમાણે અમેરિકાના ઈતિહાસની સૌથી ભયાનક આગ ગણી શકાય. મને શંકા છે કે શું વીમા કંપનીઓની પાસે  આ આફતમાં ચૂકવણી કરવા માટે પૂરતા પૈસા હશે. તે બાઈડેનની ઘોર અક્ષમતા અને મિસ મેનેજમન્ટનું પ્રતિક બનવા જઈ રહ્યું છે.