ઓસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયાનક પૂરઃ ઘરમાં પાણી, સડક પર મગરમચ્છ અને સાપ
સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની અવળી અસરો જોવા મળી રહી છે, અમેરિકામાં સદીમાં સૌથી ભારે બરફવર્ષાને કારણે જનજીવન ઠપ્પ થયેલું છે, ઓસ્ટ્રેલિયામાં એક વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે તો તેના ક્વિન્સલેન્ડ રાજ્યમાં સદીનું સૌથી ભયાનક પૂર આવેલું છે, ભારતમાં પણ આ વર્ષે ઠંડીએ છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડ્યો છે...
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં સદીના સૌથી ભયાનક પૂરને કારણે માનવો જ નહીં પરંતુ જંગલી પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અહીં પૂરને કારણે ઉત્તર પૂર્વ વિસ્તારમાં 20,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો નદીઓનું પાણી સડક પર આવી જવાને કારણે મગરમચ્છ અને સાપ જેવા પ્રાણીઓ સડક પર આવી ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.
આટલા ભીષણ પૂરને કારણે સેનાના જવાનો અને પોલીસ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વમાં આવેલી નદીઓમાં ભયાનક પૂર આવેલું છે. અહીં નદીઓનું જળસ્તર એટલું વધી ગયું છે કે નદી ક્યાં છે અને સડક ક્યાં છે એ જ જોવા નથી મળી રહ્યું.
ટાપુ પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું નવજાત શિશુ, ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ
હવામાન ખાતાએ જણાવ્યું કે, છેલ્લા 100 વર્ષમાં આ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં આટલું ભીષણ પૂર આવ્યું છે. છેલ્લા 10-20 કે 50 વર્ષ દરમિયાન આવું ક્યારેય જોવા મળ્યું નથી. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના ટાઉન્સવિલે શહેરના લોકોએ જણાવ્યું કે, અમે અમારી જિંદગીમાં પ્રથમ વખત આવું જોઈ રહ્યા છીએ. શહેરમાં વરસાદ અને પાણીને કારણે સ્થિતી એટલી ખરાબ થઈ ગઈ છે કે, જંગલી પ્રાણીઓ, મગરમચ્છ અને સાપ ઘરમાં ઘુસવા લાગ્યા છે. સડક પર તો મગરમચ્છનો જાણે કે આતંક છે, બહાર નિકળતાં પણ ડર લાગી રહ્યો છે.