પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં પત્ની બેગમ કુલસુમ નવાઝનું 68 વર્ષની વયે નિધન
નવાઝ શરીફનાં પત્ની છેલ્લા કેટલાક મહિનાથી ગળાના કેન્સરની બિમારીથી પિડાતાં હતાં, લંડન ખાતે અંતિમ શ્વાસ લીધા
લંડનઃ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રદાન નવાઝ શરીફનાં પત્ની બેગમ કુલસુમ નવાઝનું 68 વર્ષની વયે લંડનમાં નિધન થઈ ગયું. કેટલાક મહિના પહેલાં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેઓ લંડનમાં ઈલાજ કરાવી રહ્યા હતા.
લંડનની હેરલી સ્ટ્રીટ ક્લિનિક ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શાહબાઝ શરીફે પણ ટ્વીટર પર તેમનાં નિધન થયા અંગેની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ બેગમ કુલસુમ આ ક્લિનિકમાં જુન, 2017થી ઈલાજ કરાવી રહ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાથી તેમની તબિયત વધુ બગડી હતી. તેમનાં ફેફસામાં ઈન્ફેક્શન લાગી જતાં સોમવારે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બેગમ કુલસુમના પતિ અને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ હાલ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ રાવલપિંડીની અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે. અપ્રમાણસર સંપત્તિ ધરાવવાના કેસમાં તેઓ જ્યારે ઈસ્લામાબાદ આવ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના જીઓ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, બેગમ કુલસુમની દફનવિધિ લંડનમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં કરવામાં આવશે. બેગમ કુલસુમનો જન્મ 1950માં થયો હતો અને નવાઝ શરીફ સાથે 1971માં તેમનાં લગ્ન થયા હતા.