Covid 19: પાકિસ્તાનમાં કોરોનાની ચોથી લહેર મચાવી રહી છે તબાહી, કેસમાં ત્રણ ગણો વધારો
રવિવારે જારી સત્તાવાર આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1980 નવા કેસ સામે આવ્યા અને સંક્રમણ દર 4.09 ટકા રહ્યો. 21 જૂને સંક્રમણના માત્ર 663 કેસ સામે આવ્યા હતા.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન કોવિડ-19 મહામારીની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે. દેશમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ત્રણ ગણી વધી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો કોરોના સંક્રમણના કેસમાં વૃદ્ધિ માટે કારોબાર અને પર્યટન સ્થળોને ફરી ખોલવાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. તેમણે સરકાર પાસે લૉકડાઉન લગાવવાની માંગ કરી છે જેથી ઈદ-ઉલ-અજહા સ્વાસ્થ્ય સંબંધી કડક પ્રતિબંધોની સાથે ઉજવવામાં આવે.
મૃતકોની સંખ્યા 22 હજારથી ઉપર
રવિવારે જારી સત્તાવાર આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1980 નવા કેસ સામે આવ્યા અને સંક્રમણ દર 4.09 ટકા રહ્યો. 21 જૂને સંક્રમણના માત્ર 663 કેસ સામે આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રથમવાર છે જ્યારે 30 મે બાદ સંક્રમણ દર ચાર ટકાની ઉપર ગયો છે. 30 મેએ સંક્રમણ દર 4.05 ટકા હતો. દેશમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુકેલા લોકોની કુલ સંખ્યા 9,73,284 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોના મોતની સાથે મૃત્યુ પામનારની સંખ્યા 22,582 થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ વૈજ્ઞાનિકોનો દાવો, ડેલ્ટા સ્ટ્રેન વિરુદ્ધ 90% સુરક્ષા આપે છે sputnik v વેક્સિન
આંકડા પ્રમાણે 9,13,203 લોકો આ મહામારીમાંથી સાજા થઈ ચુક્યા છે પરંતુ આશરે 2119 લોકોની સ્થિતિ ગંભીર છે, જેનો અર્થ છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે અને અત્યાર સુધી કોવિડ-19 વિરોધી રસીના 1.90 કરોડથી વધુ ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. વિપક્ષી દળોની ચેતવણી અને વિદ્યાર્થીઓના પ્રદર્શન છતાં સરકાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા કરાવી રહી છે, જેનાથી સંક્રમણ વધી શકે છે.
બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ભારત
તો ભારત હજુ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજુ દરરોજ 40 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આજના સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 41506 નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન 895 લોકોના મૃત્યુ થયા છે. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,526 લોકો સાજા થયા છે. આ સાથે દેશનો કોરોના રિકવરી રેટ 97.20 ટકા થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube