ભારતને કટોકટીમાં છે આ દેશનો પાક્કો સાથ, આ રીતે સાબિત કરી મિત્રતા
ભારત પર થયેલા આતંકી હુમલાની આખી દુનિયામાં ટીકા થઈ છે
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારે સમર્થન મળી રહ્યું છે. જોકે હાલમાં જ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ હુમલા વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં સફળતા મળી છે. આ સમગ્ર ઘટનામાં ફ્રાન્સની ભુમિકા ઉલ્લેખનીય છે. ફ્રાન્સ હંમેશા ભારત માટે મહત્વપૂર્ણ દેશ રહ્યો છે અને બંને દેશો વચ્ચે બહુ મજબૂત સંબંધો છે.
હકીકતમાં ફ્રાન્સ જ એ દેશ છે જેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ પ્રસ્તાવને રજૂ કર્યો હતો અને ભારત સાથેની મિત્રતા સાબિત કરી બતાવી હતી. હકીકતમાં ફ્રાન્સ સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય છે. ફ્રાન્સ અઝહર મસુદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના પ્રસ્તાવનો હંમેશા વીટો પાવર વાપરીને વિરોધ કરે છે પણ આ વખતે નિંદા પ્રસ્તાવનું સમર્થન કર્યું છે જે બંને દેશો વચ્ચેનો મજબૂત સંબંધ દર્શાવે છે.
નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની એક સપ્તાહ બાદ ભલે આકરી નિંદા કરવામાં આવી હોય અને તેને કાયરતાપૂર્ણ હુમલો જણાવાયો હોય, પરંતુ ચીને આ નિવેદનને અટકાવી રાખવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. આધિકારીક સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદના ઉલ્લેખ અંગે એકમાત્ર ચીનના વિરોધને કારણે પુલવામા હુમલા અંગે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના નિવેદનમાં એક અઠવાડિયાનો સમય લાગ્યો છે.