Fumio Kishida જાપાનના નવા પ્રધાનમંત્રી બન્યા, PM મોદીએ પાઠવી શુભકામના
જાપાનની સંસદે પૂર્વ વિદેશમંત્રી ફુમિયો કિશિદાને આજે દેશના નવા પ્રધાનમંત્રી ચૂંટ્યા. કિશિદાએ યોશિહિદે સુગાનું સ્થાન લીધુ છે.
ટોકિયો: જાપાનની સંસદે પૂર્વ વિદેશમંત્રી ફુમિયો કિશિદાને આજે દેશના નવા પ્રધાનમંત્રી ચૂંટ્યા. કિશિદાએ યોશિહિદે સુગાનું સ્થાન લીધુ છે. તેમની સામે હવે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ, ચીન અને રશિયા જેવા પડકારો છે. સુગા અને તેમની કેબિનેટે આજે દિવસની શરૂઆતમાં રાજીનામું આપી દીધુ હતું. કિશિદા અને તેમની કેબિનેટના સભ્યો આજે જ શપથગ્રહણ કરશે. પીએમ મોદીએ જાપાનના નવા બનેલા પીએમ ફુમિયો કિશિદાને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી.
કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને પહોંચી વળવાની કામગીરી અને સંક્રમણ છતાં ઓલિમ્પિક ખેલોના આયોજન પર મક્કમ રહેવાના કારણે લોકપ્રિયતામાં ઘટાડો થવાના લીધે સુગાએ માત્ર એક વર્ષ પદ પર રહ્યા બાદ જ રાજીનામું ધરી દીધુ હતું. જાપાનના પૂર્વ વિદેશમંત્રી કિશિદાએ સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા પદની ચૂંટણી ગત સપ્તાહે જીતી હતી. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા તરીકે કિશિદાનું સંસદમાં આજે આગામી પીએમ તરીકે ચૂંટાઈ આવવું લગભગ નક્કી જ હતું. સંસદમાં તેમની પાર્ટી અને તેમના સહયોગીનું બંને સદનમાં બહુમત છે. કિશિદાએ પાર્ટીના નેતા પદના મુકાબલામાં લોકપ્રિય ટીકાકરણમંત્રી તારો કોનોને હરાવ્યા હતા.
દિગ્ગજ નેતાઓના સમર્થનથી મળી જીત
તેમણે પહેલા તબક્કાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો સના તકાઈચી અને સેઈકો નોડાને હરાવ્યા હતા. તેમની જીતથી પ્રદર્શિત થાય છે કે કિશિદાને પોતાની પાર્ટીના દિગ્ગજોનું સમર્થન મળ્યું. જેમણે કોનો દ્વારા સમર્થિક ફેરફારની જગ્યાએ સ્થિરતાને પસંદ કરી. કોનોને સ્વતંત્ર વિચારોવાળા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. કિશિદા એક શાંત ઉદારવાદી તરીકે ઓળખાતા હતા પંરતુ સ્પષ્ટરીતે પાર્ટીમાં પ્રભાવશાળી રૂઢીવાદીઓનું સમર્થન મેળવવા માટે તેમણે આક્રમક નેતાની છબી બનાવી.
જાપાની મીડિયાએ જણાવ્યું કે સુગાની 20 સભ્યોની કેબિનેટના બે સભ્યોને બાદ કરતા બાકીના તમામના સ્થાને નવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે. મોટાભાગના પદો પર તે નેતાઓને જવાબદારી સોંપાશે તેમણે પાર્ટીમાં થયેલી ચૂંટણીમાં કિશિદાને સમર્થન આપ્યું હતું. કેબિનેટમાં માત્ર ત્રણ મહિલા નેતાઓ સામેલ થશે. જાપાનની કૂટનીતિ અને સુરક્ષા નીતિઓની નિરંતરતા સુનિશ્ચિત કરવા માટે વિદેશમંત્રી તોશિમિત્સુ મોતેગી અને રક્ષામંત્રી નોબુઓ કિશીને કેબિનેટમાં રાખવામાં આવશે.
અમેરિકા સાથે મિત્રતાના સમર્થક
જાપાન વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ અને વધતા તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકા સાથે મળીને દ્વિપક્ષીય સુરક્ષા સમજૂતિ પર નજીકથી કામ કરવા માંગે છે. કિશિદા જાપાનની રાષ્ટ્રીય સુરક્ષાના આર્થિક આયામોને પહોંચવાના ઉદ્દેશ્યથી એક નવું કેબિનેટ પદ બનાવશે જેમાં 46 વર્ષના તાકાયુકી કોબાયાશીને નિયુક્ત કરાશે. જે સંસદમાં અપેક્ષાકૃત નવા છે. કિશિદા જાપાન અને અમેરિકા વચ્ચે નીકટ સહયોગ અને એશિયા તથા યુરોપમાં સમાન વિચારોવાળા અન્ય દેશો સાથે ભાગીદારીનું સમર્થન કરે છે. જેનો એક હેતુ ચીન અને પરમાણુ હથિયાર સંપન્ન ઉત્તર કોરિયાનો મુકાબલો કરવાનો પણ છે.
પાર્ટીની છબી સુધારવાનું દબાણ
નવેમ્બરના મધ્યમાં થનારી સામાન્ય ચૂંટણી પહેલા સંસદના નીચલા સદનને ભંગ કરતા પહેલા કિશિદા સંભવિત આ સપ્તાહના અંતમાં પોતાની નીતિઓ સંબંધિત ભાષણ આપશે. નવા નેતા પર પાર્ટીની છબી સુધારવાનું દબાણ હશે. જે સુગાના નેતૃત્વમાં કથિત રીતે બગડી છે. કોરોના વાયરસ મહામારીને પહોંચી વલવાની કામગારી અને ટોક્યોમાં ઓલિમ્પિક રમતોત્સવ કરાવવા પર મક્કમ રહેવા બદલ સુગા પ્રત્યે જનતામાં આક્રોશ પેદા થયો. પરંપરાગત લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ના આવનારા બે મહિનામાં સંસદના નીચલા સદનની ચૂંટણી પહેલા જલદી જન સમર્થન પોતાના પક્ષમાં કરવાની જરૂર છે.
કિશિદાએ કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થા અને ઘટતી જનસંખ્યા તથા જન્મદરની સમસ્યાઓ સહિત રાષ્ટ્રીય સંકટોને પહોંચી વળવાનો ગત અઠવાડિયે વાયદો કર્યો હતો. કિશિદાએ જાપાનની રક્ષા ક્ષમતા અને બજેટ વધારવાનું આહ્વાન કર્યું અને સ્વશાસિત તાઈવાનને લઈને પેદા થયેલા તણાવ પર ચીન વિરુદ્ધ ઊભા રહેવાનો સંકલ્પ કર્યો. કિશિદાએ 'નવ પૂંજીવાદ' હેઠળ વૃદ્ધિ અને વિતરણનું આહ્વાન કરતા કહ્યું કે જાપાનમાં સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી રહેલા શિંજો આબેના નેતૃત્વમાં અર્થવ્યવસ્થામાં માત્ર મોટી કંપનીઓને ફાયદો પહોંચાડ્યો.