અમદાવાદઃ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં G20 દેશોની 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ બેઠક મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. G20 એ વિશ્વના ટોચના 19 દેશ અને યુરોપિયન યુનિયનનું બનેલું એક સંગઠન છે, યુરોપિયન કમિશન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાન મોદી એક દિવસ પહેલા જ આર્જેન્ટિના પહોંચી ગયા હતા અને અહીં સૌ પ્રથમ તેમણે ભારતીય સમુદાયની મુલાકાત લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

G20 દેશો વિશ્વની 85% ગ્રોસ વર્લ્ડ પ્રોડક્ટ (GWP) ધરાવે છે, વિશ્વના 80 ટકા વેપાર ઉપર G20 દેશોનો કબજો છે, જેમાં યુરોપિયન યુનિયનના અંદર થતા 75 ટકા વેપારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. G20 દેશો વિશ્વની બે-તૃતિયાંશ વસતી ધરાવે છે અને અંદાજે વિશ્વની અડધા કરતાં વધારે જમીન ઉપર આ દેશો વસેલા છે. આમ, G20 એ વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. 


 


G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર, 1999માં કરવામાં આવી હતી. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા જાણવા માટે નીતિ નિર્માણ કરવું અને તેને પ્રોત્સાહન આપવાનો હતો. વર્ષ 2008માં G20 દ્વારા તેના એજન્ડાને વિસ્તૃત કરવામાં આવ્યો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી G20ની દરેક બેઠકમાં તેના સભ્ય 20 દેશોની સરકારના રાષ્ટ્રપતિ અથવા તો વડા પ્રધાન બંનેમાંથી કોઈ એક ભાગ લેશે. તેની સાથે જ નાણા મંત્રીઓ અને વિદેશ મંત્રીઓની બેઠક આયોજિત કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. 


વર્ષ 2009 અને 2010 દરમિયાન G20ની બેઠક અર્ધવાર્ષિક ધોરણે આયોજિત કરાતી હતી. નવેમ્બર, 2011માં કેન્સમાં આયોજિત સમિટ બાદ G20ની બેઠકને વાર્ષિક ધોરણે આયોજિત કરવાનો નિર્ણય લેવાયો હતો. 


બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મ્યો વિચાર
બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીની આંધી ફૂંકાઈ હતી. આથી આર્થિક નીતિઓના નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહકાર ઊભો થાય એવું અનિવાર્ય બની ગઈ હતું. 1999માં જી7 દેશોની કોલોન્જ સમિટમાં G20 દેશોનું સંગઠન બનાવવાનો વિચાર જન્મ્યો અને ત્યાર બાદ 26 સપ્ટેમ્બર, 1999ના રોજ G20 સંગઠનની રચના કરવામાં આવી હતી.


G20નો ફોકસ એજન્ડા 
- આંતરરાષ્ટ્રીય ધોરણે આર્થિક સહકાર અને નીતિ-નિર્માણમાં ભાગીદારી
- સર્વસમાવેશક વિકાસ 
- આંતર સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા 


G20 સંગઠનના સભ્ય દેશો 
આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દ.આફ્રિકા, દ. કોરિયા, તુર્કી, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સ. 


G20ની અન્ય બેઠકો
G20 સંગઠન દ્વારા અન્ય બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં, બિઝનેસ 20 (B20), સિવિલ સોસાયટી 20 (C20), લેબર 20 (L20), થિન્ક ટેન્ક 20 (T20) અને યુથ 20 (Y20)નો સમાવેશ થાય છે.