G20 સમિટ: બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ, પુતિન અને થેરેસા મે પીએમ મોદીને મળ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 શિખર સંમેલનની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે વાતચીત કરી.
બ્યુનસ આયર્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 શિખર સંમેલનની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે વાતચીત કરી. પીએમ મોદી, ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે શુક્રવારે પહેલી ત્રિપક્ષીય બેઠક પહેલા આ સંક્ષિપ્ત વાતચીત થઈ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમાર દ્વારા ટ્વિટ કરાયેલી તસવીરમાં મોદી, ટ્રમ્પ સાથે હાથ મિલાવતા અને વાત કરતા જોવા મળ્યાં. વડાપ્રધાન મોદીએ પુતિન સાથે પણ વાતચીત કરી.
કુમારે પુતિન, ઈટાલીના વડાપ્રધાન ગ્યુસેપ કોન્તે અને બ્રિટનના વડાપ્રધાન સાથે મોદીની વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે લીડર્સ લાઉન્જમાં રશિયા, ઈટાલી અને બ્રિટનના નેતાઓ સાથે વાતચીત થઈ. મોદીએ ચિલીના રાષ્ટ્રપતિ સેબસ્ટિયન પિનેરા સાથે પણ મુલાકાત કરી અને તેમની સાથે કારોબાર, ઉર્જા, કૃષિ, સ્વાસ્થ્ય જેવા પરસ્પર હિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાના તરીકાઓ પર ચર્ચા કરી.
ત્યારબાદ મોદીએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે જી20 અર્જેન્ટિના પરિવાર તસવીર પણ પડાવી. આ અગાઉ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, સાઉદી અરબના વલી અહદ મોહમ્મદ બિન સલમાન અને સયુંક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સાથે અલગ અલગ દ્વિપક્ષીય બેઠક કરી.