નવી દિલ્હીઃ ઈન્ટરનેટ કંપની ગૂગલ હવે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડના નવા વર્ઝનનું નામ કોઈ ખાદ્ય પદાર્થના નામ પર નહીં રાખે. હવે તેના વર્ઝન આંકડાથી જ ઓળખવામાં આવશે. અત્યાર સુધી ગૂગલ તેના એન્ડ્રોઈડ વર્ઝનના નામ ગળ્યા ખાદ્ય પદાર્થોના નામ પર રાખતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલે તાજેતરમાં જ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, તેની એન્જિનિયરિંગ ટીમે તમામ વર્ઝન માટે હંમેશાં આંતરિક કોડનો જ ઉપયોગ કર્યો છે. જે અંગ્રેજી મૂળાક્ષરોના આધારે કોઈ ખાદ્ય પદાર્થનું નામ રહેતું હતું. કંપનીએ જણાવ્યું કે, 'દર વર્ષે નામકરણની આ પરંપરા લોકો વચ્ચે રસ પેદા કરવાના કારણે પણ બનતી હતી. જોકે, હવે અમને સમજાયું છે કે, આ નામને હંમેશાં દુનિયાભરમાં સમજી શકાતા નથી.'


ગૂગલે જણાવ્યું કે, કેટલીક ભાષાઓમાં અંગ્રેજીના મૂળાક્ષર 'L' અને 'R'નું સ્પષ્ટ ઉચ્ચારણ થઈ શક્તું નથી. જેના કારણે 'લોલીપોપ'ના ઉચ્ચારણમાં મુશ્કેલી આવે છે. વિશ્વના અનેક દેશોમાં 'પાઈ' ખાદ્ય પદાર્થ નથી. એ જ રીતે 'માર્શમેલો' પણ દુનિયાના અનેક ભાગમાં લોકપ્રિય નથી. 


ગૂગલે વધુમાં જણાવ્યું કે, એક વૈશ્વિક સર્વિસ પ્રોવાઈડર તરીકે એ બાબત મહત્વની છે કે, અમારા ઉત્પાદનનાં નામ સ્પષ્ટ હોય અને દરેકની સાથે જોડાણ ધરાવતા હોય. લોકો તેની સાથે સરળતાથી સંકળાઈ શકે. આ કારણે જ હવે આગામી વર્ઝનને સીધું જ 'એન્ડ્રોઈડ 10'ના નામથી ઓળખવામાં આવશે. 


જાણો કેવા-કેવા નામ હતા જૂના એન્ડ્રોઈડ વર્ઝનના...
કપકેપ, ડોનટ, ઈક્લેયર, ફ્રોયો, જિંજરબ્રેડ, હનીકોમ્બ, આઈસક્રીમ સેન્ડવીચ, જેલીબીન, કિટકેટ, લોલીપોપ, માર્શમેલો, નૌગટ, ઓરિયો અને પાઈ. 


આવી રહ્યું છે 'એન્ડ્રોઈડ-10'
ગૂગલનું એન્ડ્રોઈડ સોફ્ટવેર દુનિયાભરના મોબાઈલમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગના સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઈડ પર જ ચાલે છે. ગૂગલ પોતાના આ સોફ્ટવેરને સમયાંતરે અપડેટ કરતું રહ્યું છે અને દરેક અપડેટ વર્ઝનને ઉપર પ્રમાણે નામ આપતું રહ્યું છે. હવે ગૂગલનું નવું 'એન્ડ્રોઈડ-10' વર્ઝન આવી રહ્યું છે. ચાલુ વર્ષના અંતમાં આ વર્ઝન રજૂ થાય તેવી સંભાવના છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....