ગ્રીન કાર્ડ પર મોટું અપડેટ, લાખો ઈમિગ્રન્ટ્સને મળશે અમેરિકન નાગરિકતા! સામી ચૂંટણીએ બાઈડેન સરકારનો માસ્ટરસ્ટ્રોક?
અમેરિકાની જો બાઈડેન સરકાર બહુ જલદી એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. જેના લીધે દસ્તાવેજો વગર અમેરિકી નાગરિકોના પાર્ટનરને અમેરિકાની નાગરિકતા સરળતાથી મળી શકશે. આ પગલાંના કારણે અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને પણ ફાયદો થાય તેવી આશા છે.
અમેરિકાની જો બાઈડેન સરકાર બહુ જલદી એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. જેના લીધે દસ્તાવેજો વગર અમેરિકી નાગરિકોના પાર્ટનરને અમેરિકાની નાગરિકતા સરળતાથી મળી શકશે. આ પગલાંના કારણે અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને પણ ફાયદો થાય તેવી આશા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ આ પ્રોટેક્શન પ્રોગ્રામ એવા અપ્રવાસીઓ માટે હશે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, પરંતુ તેમણે અમેરિકી નાગરિક સાથે લગ્ન કર્યા છે. આનાથી હવે તેમના માટે વર્કિંગ પરમીટ અને નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનશે.
એનબીસી ન્યૂઝના જણાવ્યાં મુજબ પેરોલ ઈન પ્લેસ નામના આ પ્રોગ્રામથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 5 લાખ જેટલા અપ્રવાસીઓને ફાયદો થશે. જે તેમને ડિપોર્ટેશનથી બચાવશે. આ પ્રોગ્રામનો હેતુ દસ્તાવેજ વગરના અપ્રવાસીઓ માટે ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે. એનબીસી ન્યૂઝ મુજબ દસ્તાવેજ વગર પતિ કે પત્નીને અલગ અલગ મામલાઓના આધાર પર વર્ક પરમિટ મેળવવાની પણ મંજૂરી આપવામાં આવશે.
જો કે તેમાં કેટલીક શરતો પણ સામેલ છે. એટલ કે નાગરિકતા એવા અપ્રવાસીઓને આપવામાં આવશે જે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા બાદ ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતા હશે. તેનાથી એવા અપ્રવાસી બાળકો પણ પણ ગ્રીન કાર્ડ કે નાગરિકતા મેળવી શકશે જેમના માતા કે પિતાએ અમેરિકી નાગરિક સાથે લગ્ન કર્યા હશે.
હાલના સમયમાં અમેરિકી નાગરિક સાથે લગ્ન કરવા છતાં જો કોઈ એક વર્ષ કે તેનાથી વધુ સમય સુધી દસ્તાવેજ વગર અમેરિકામાં રહે છે તો તેણે કાનૂની કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે. આવી વ્યક્તિની 10 વર્ષ માટે અમેરિકામાં એન્ટ્રી પણ બેન કરવામાં આવે છે. તેનો ફાયદો ફક્ત એવા અપ્રવાસીઓને મળશે જેમનો 17 જૂન સુધી 10 વર્ષનો સમયગાળો પૂરો થયો હશે.
એનબીસી ન્યૂઝ મુજબ બાઈડેન સરકારના આ ઈનિશિએટિવનો એક હેતુ એવા દસ્તાવેજ વગરના અપ્રવાસીઓની મદદ કરવાનો છે જે એક વિદ્યાર્થી તરીકે અમેરિકા આવે છે અને પછી અમેરિકી નાગરિક સાથે લગ્ન કરીને ત્યાં વસી જાય છે.
જો કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની આકરી ટીકા કરતા આ ઈનિશિએટિવને 'અસ્થિર' ગણાવ્યું છે. આ સાથે જ જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો આવા દસ્તાવેજ વગરના અપ્રવાસીઓને દેશમાંથી કાઢી મૂકવાનું વચન પણ આપ્યું છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી છે. આથી બાઈડેનનું આ પગલું એક મોટો માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી અધિકૃત રીતે આ પ્રોગ્રામ શરૂ થયો નથી.
કોને થશે ફાયદો
આ નીતિ એવા લોકોને લાગૂ પડશે કે જે ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં છે અને 17 જૂન 2024 પહેલા અમેરિકી નાગરિક સાથે લગ્ન કરી ચૂક્યા છે. જેનાથી લગભગ 5 લાખ લોકોને ફાયદો થવાની શક્યતા છે. આ ઉપરાંત અમેરિકી નાગરિકોના લગભગ 50 હજાર બાળકોને પણ ફાયદો થશે. અત્રે જણાવવાનું કે અમેરિકામાં અંદાજે 11 લાખ અપ્રવાસીઓએ અમેરિકી નાગરિકો સાથે લગ્ન કર્યા છે. આ નવા નિયમોની વિઝા પર અમેરિકા ગયેલા લોકો પર કોઈ અસર પડવાની નથી.