ગાંધીનગરઃ પૈસા કમાવવા માટે લોકો કોઈપણ હદ સુધી પહોંચી શકે. દર્દીઓનું આરોગ્ય સુધારવા માટે બનાવવામાં આવતી દવાઓમાં પણ મિલાવટ સામે આવી રહી છે. ગુજરાતમાં ચાલી રહ્યું છે મસમોટું કૌભાંડ. નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ બેફામ ધમધમી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી ફરી એકવાર બનાવટી દવાઓ બનાવટી ફેક્ટરી ઝડપાઈ છે. બનાવટી દવાઓના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં બનાવટી દવા બનાવતી કંપની પર ચાંગોદરમાં દરોડા પાડવામાં આવ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી એન્ટિબાયોટિક્સ બનાવતી કંપની પર દરોડા પાડ્યા છે. દરોડા માં ૧.૨૫ લાખ કંપની માં થી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યની ૧૧ દવાની દુકાનો પરથી ૫૧ લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય ષડયંત્રકાર તરીકે નરેશ ધનવાણીયા નું નામ આવ્યું સામે આવ્યું છે. જેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.


દરોડામાં પોણા બે કરોડનો મુદ્દામાલ જપ્તઃ
રાજ્યભરમાંથી દરોડામાં કુલ રૂ. ૧.૭૫ કરોડ વધુની કિંમતનો બનાવટી  એન્‍ટિબાયોટીક દવાઓ સહીતનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો મોટો જથ્થો પકડાયો હોવાનું પણ આરોગ્ય કમિશ્નરે જણાવ્યું છે. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે. ફાર્માકેમ, મહારાજા હાઉસ, સેફ એક્ષપ્રેસની પાછળ, ચાંગોદર, અમદાવાદ ખાતે દિવ્યેશભાઇ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાયસન્‍સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવાઓ બનાવતી ફેક્ટરી ઉભી કરી ટેબલેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતેથી મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ પેઢીને બનાવટી-સ્પુરીયસ એન્‍ટીબાયોટીક્સ સહીતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડેલ અને તેઓને ત્યાંથી દવાઓના નમુના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ, મશીન, બનાવટી દવાઓ, પેકીંગ મટીરીયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.


કઈ કઈ દવાઓના નમુના લેવાયાઃ
આ ઉપરાંત તંત્રની તપાસ દરમ્યાન એઝીથ્રોમાયસીન, સેફીક્ષીમ ડીસ્પર્સીબલ, એમોક્ષીસીલીન, પોટાશીયમ ક્લેવુલેનેટ, એસીક્લોફેનાક, પેરાસીટામોલ, સેરેસ્યીઓપેપ્ટીડેઝ ઘટક ધરાવતી ટેબલેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૦૯ દવાઓના નમુના લઈ પૃથ્થકરણ વાસ્તે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.


અમદાવાદમાં ક્યાં ક્યાં દરોડા પાડવામાં આવ્યાં?
તંત્ર દ્વારા બનાવટી ઉત્પાદક ફેક્ટરી મે. ફાર્માકેમ માંથી માસ મીક્ષર, શીફ્ટર, કોમ્પ્રેસન મશીન (કુલ ૨), કોટીંગ મશીન, બ્લીસ્ટર પેકીંગ મશીન (કુલ ૩), એલ્યુ-એલ્યુ પેકીંગ મશીન (કુલ ૨), મશીનરી પાર્ટ, એએચયુ યુનીટ, એલ્યુમીનીયમ ફોઇલ, પીવીસી ફોઇલ, રૉ મટેરીયલ, કોટીંગ મટેરીયલ તૈયાર ટેબલેટ વગેરે મળીને આશરે ૧.૨૫ કરોડ રૂપિયાનો માલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્‍સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્‍સનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવો ખુબ જ ગંભીર ગુનો કર્યો હોવાથી ફેક્ટરીને કાયદેસરનું સીલ મારી બંધ કરવામાં આવી છે. ફેક્ટરીમાંથી રાજ્યના વિવિધ શહેરો જેવા કે (૧) તારા મેડીકલ એજન્‍સી, ભુજ, (૨) આર.એચ.ટી. ડ્રગ હાઉસ, રત્નમણી કોમ્પ્લેક્ષ, અમદાવાદ, (૩) નાયસર ફાર્મા, રત્નમણી કોમ્પ્લેક્ષ, અમદાવાદ (૪) મેડીકાસા હેલ્થકેર, ઉસ્માનપુરા, અમદાવાદ (૫) મા ચંદ્રા ફાર્મા, ભેસ્માન, સુરત, (૬) મે. નીલકેર લાઇફ સાયન્સ, પાંડેસરા, સુરત, (૭) મે. ડીજેન રેમેડીઝ, નારણપુરા, અમદાવાદ, (૮) નેટ્રોન ફાર્મા, વડોદરા, (૯) સીએસપી ડીસ્ટ્રીબ્યુટર્સ, વડોદરા, (૧૦) જે.ડી. ફાર્મા, ઇડર, (૧૧) કેશવ ડ્રગ એજન્‍સી, ઇડર ખાતે સપ્લાય કરેલ આશરે ૫૧ લાખની રૂપિયાની દવાઓ જપ્ત કરી છે અને આ તંત્રની ટીમે ગુજરાત રાજ્યની અન્ય વધુ પેઢીઓમાં પણ તપાસનો ધમધમાટ ચાલુ છે.


વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યુ કે મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટીંગ કંપનીના  નરેશ ધનવાણીયાએ મે. પાઇકન ફાર્મા પ્રા. લી. C/o. મેડીકામેન ઓર્ગેનીક્સ લી., હરીદ્વારના ઉત્પાદકના લાયસન્‍સ નંબર 88/UA/LL/SC/P-2022 અને એડ્રેસનો ઉપયોગ કરી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતે બનાવટી દવાઓ બનાવડાવી ભારતભરમાં બનાવટી દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન સાથે ચેડા કરી મોટુ કાવતરુ ઘડેલ છે તે પણ આ તંત્રની ટીમે પકડી પાડ્યું છે. આમ આ ષડયંત્રના મુખ્ય સુત્રધાર તરીકે નરેશ ધનવાણીયાનુ નામ બહાર આવ્યું છે અને તેઓની સામે પણ આ તંત્રએ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે સદર ઉત્પાદકની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્‍સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્‍સનો ઉપયોગ કરી માન્ય ટેકનીકલ પર્સન રાખ્યા વિના રો-મટીરીયલ તેમજ દવાનું ટેસ્ટીંગ કર્યા વિના બિમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કર્યું છે.


વધુમાં ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે કે અગાઉ ઓક્ટોમ્બર ૨૦૨૩માં પણ આ તંત્ર દ્વારા અમદાવાદ અને હિંમતનગર ખાતેથી ૫૫ લાખ રૂપિયાની બનાવટી દવાઓનુ રેકેટ પકડી પાડ્યું  હતું. તંત્ર અને તંત્રના અધિકારીઓ ખુબ જ વિજીલન્‍ટ છે. આવી ગેરકાયદેસર રીતે વગર પરવાને દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા ઇસમો વિરુધ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડૉ. કોશીયાએ ઉમેર્યુ હતું.


આ દવામાં વપરાતા રો-મટીરીયલ, પેકીંગ મટીરીયલ, ફોઇલ, મશીનરી વગેરે ક્યાંથી મેળવેલ હતા, કઇ-કઇ માર્કેટીંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્‍સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં – ક્યાં અને કેટલા સમયથી થતું હતું તેની આગળની ગહન તપાસ આ તંત્રના અધિકારીઓ દ્વારા ચાલુ છે.