અમદાવાદની સોનાલી માટે શિકાગોનો માઈકલ શીખી રહ્યો છે ગુજરાતી ભાષા! રોજ થેપલાંને ગાંઠીયા ખાય છે ભૂરિયો!
જયેશ જોશી, અમદાવાદઃ આપણે અવારનવાર પ્રેમી યુગલો વચ્ચે સાંભળ્યું હશે કે હું તારા વગર નહિં રહી શકું. તું કહે એવી રીતે જ હું રહીશ. તારા માટે હું ચાંદ-તારા તોડી લાવીશ. તારા માટે હું જીવ આપી દઈશ. આવા જ વાયદાઓ દરેક પ્રેમી પોતાની પ્રેમિકાને કરતા હોય છે. પરંતુ આ પ્રકારના વાયદાઓ કેટલાં નિભાવે છે? શું તમે ક્યારેય કોઈ પ્રેમીને આવા વાયદાઓ નિભાવતાં જોયા છે? તો તેનો જવાબ છે, હા. અમેરિકાના શિકાગોમાં રહેતો માઇકલ નામનો યુવક પોતાની પ્રેમિકાને કરેલા તમામ વાયદાઓ પૂરા કરી રહ્યા છે. માઇકલની પ્રેમિકા અને હાલમાં તેની પત્ની સોનાલી ગાંધી મૂળ અમદાવાદની છે.
અમેરિકન યુવક અને ગુજરાતી યુવતી વચ્ચે થયો પ્રેમ:
અમેરિકામાં જન્મેલા એવા માઇકલનું ઘડતર અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે થયુ હતુ. ત્યારબાદ માઇકલે અભ્યાસમાં પારંગત હોવાથી ઉચ્ચ અભ્યાસ માટે સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં તેની મુલાકાત ગુજરાતી યુવતી સોનાલી ગાંધી સાથે થઇ. સોનાલીનો જન્મ અમેરિકામાં થયો હતો. પરંતુ તેના પિતાનું મૂળ વતન નવસારી અને માતા અમદાવાદ શહેરના હતા. એટલે સોનાલી વારંવાર ગુજરાત આવતી હતી. સોનાલી સાથેની માઇકલની મિત્રતા ધીરે-ધીરે પ્રણયમાં પરિણમી. જો કે અભ્યાસમાં બંનેનું એટલું જ ધ્યાન હતુ. વર્ષ 2012માં બંનેની મુલાકાત પહેલી વખત થઇ હતી. જો કે બન્ને પોતાના અભ્યાસ અને પોતાની કારર્કિદીને લઇને પણ એટલા જ ગંભીર હતા. જેના કારણે સાત વર્ષના પ્રેમ પછી બંનેએ બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા.
પોતાની પત્ની માટે શીખી રહ્યો છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ:
સોનાલી અને માઇકલના લગ્ન બે વર્ષ પહેલા ગુજરાતી રીત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નવિધીમાં તમામ ગુજરાતી પરંપરા મુજબ ગરબા, ગૃહશાંતિ, ગણેશ પુજા વગેરે તમામ વિધી મુજબ બન્ને પ્રેમીઓ હવે એક-બીજાના સાથી રહેવાના કોલ આપી ચુક્યા હતા. લગ્ન વિધીમાં જે રીતે પુરુષ ફેરા ફરતાં સમયે મહિલાની તમામ ઇચ્છાઓ પૂરી કરવાનું વચન આપે છે. તે રીતે જ માઇકલે પોતાની જીવનસંગિની સોનાલીને પણ વચન આપ્યા હતા. આ વચન પ્રમાણે માઇકલે પોતાની જીવનસંગિની સોનાલીની સંસ્કૃતિ પણ અપનાવવાનું પસંદ કર્યુ. એટલે માઇકલ હાલ ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિનો અભ્યાસ કરે છે.
પરિવારમાં પોતીકાપણાની ભાવના માટે શીખે છે ગુજરાતી:
સોનાલી ગાંધી માઇકલને સવારે નાસ્તામાં થેપલાં અને ચા પીરશે છે અને જમવામાં માઇકલ દાળ-ભાત અને રોટલી-શાક પણ જમે છે. જો કે બીજી તરફ સોનાલી પણ અમેરિકન માઇકલની સંસ્કૃતિ અને તેના શોખનું ધ્યાન રાખે છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ ઝડપથી કરી શકે તે માટે માઇકલે 3 ગુજરાતી ફિલ્મ પણ જોઇ છે. માઇકલનું કહેવુ છે કે મારા સાસુ ગુજરાતીમાં વધારે વાત કરે છે, અને તેમની સાથે મારે કોઇ પણ પ્રકારની ગોષ્ઠી કરવી હોય તો માર ટ્રાન્સલેટરની જરૂર પડે છે. મારા બાળકો જ્યારે જન્મશે ત્યારે તેમને પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે તે માટે અત્યારથી જ હું ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાનો અભ્યાસ કરુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube