US: મેરીલેન્ડમાં અખબારની ઓફિસમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 પત્રકારોના મોત, અનેક ઘાયલ
અમેરિકામાં એક બિલ્ડિંગમાં થયેલા ભીષણ ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
વોશિંગ્ટન: અમેરિકામાં એક બિલ્ડિંગમાં થયેલા ભીષણ ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ બિલ્ડિંગમાં એનાપોલિસથી પ્રકાશિત થથા કેપિટલ ગેઝેટની ઓફિસ પણ છે. ફાયરિંગ આ જ ઓફિસમાં થયું હોવાનું કહેવાય છે. આ ઐતિહાસિક શહેર વોશિંગ્ટનથી પશ્ચિમ તરફ એક કલાકના અંતરે આવેલું છે. એનાપોલીસ અમેરિકી રાજ્ય મેરીલેન્ડનું પાટનગર છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે ફાયરિંગ કરનાર શંકાસ્પદ વ્યક્તિ શ્વેત વ્યક્તિ છે અને તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે.
હુમલાખોરની ઓળખ 38 વર્ષના જેરોડ રેમોસ તરીકે થઈ છે. કહેવાય છે કે આ વ્યક્તિ અખબાર કેપિટલ ગેઝેટ સાથે પોતાને દુશ્મની હોવાનું માનતો હતો. 2012માં આરોપી વ્યક્તિએ અખબાર સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જેને કોર્ટે ફગાવ્યો હતો. વર્ષ 2006માં કોર્ટે આ વ્યક્તિને અપરાધીક છબીવાળી વ્યક્તિ જાહેર કરી હતી. સ્થાનિક પોલીસે આ હુમલાને આતંકી હુમલો ગણાવવાની ના પાડી દીધી છે. પોલીસે પણ કહ્યું કે આરોપી વ્યક્તિએ વ્યક્તિગત દુશ્મનીના કારણે આ કામ કર્યું.
કેપિટલ ગેઝેટના એક રિપોર્ટર ફિલ ડેવિસે ટ્વિટ કરીને કહ્યું કે એક બંદૂકધારીએ કાચના દરવાજાની બીજી બાજુથી અનેક કર્મચારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ડેવિસે કહ્યું કે અનેક લોકોના જીવ ગયા છે. ડેવિસે વધુમાં કહ્યું કે આનાથી ડરામણું બીજુ કઈ ન હોઈ શકે જ્યારે તમે ડેસ્ક નીચે હોવ અને તમને લોકોને ગોળી વાગવાનો અને બંદૂકધારી દ્વારા રીલોડ કરવાનો અવાજ આવી રહ્યો હોય.
સીબીએસ ન્યૂઝે બે સૂત્રોના હવાલે અહેવાલ આપ્યાં છે કે ઓછામાં ઓછા પાંચ લોકોના માર્યા ગયા હોવાની જાણકારી છે. અખબારની ઓફિસ એનાપોલીસની ચાર માળની ઈમારતમાં આવેલુ છે. એનાપોલીસ અમેરિકી રાજ્ય મેરીલેન્ડનું પાટનગર છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે જાણ કરવામાં આવી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે મને કેપિટલ ગેઝેટમાં થયેલા ફાયરિંગ અંગે સંક્ષિપ્તમાં જાણકારી આપવામાં આવી છે. મારી પ્રાર્થના પીડિતો અને તેમના પરિવાર સાથે છે. બ્યુરો ઓફ આલ્કોહોલ, ફાયરઆર્મ્સ અને તંબાકુએ ટ્વિટ કરીને જણાવ્યું કે એટીએફ બાલ્ટીમોર કેપિટલ ગેઝેટમાં થયેલા ફાયરિંગ માટે જવાબદાર છે.