આતંકી હાફિઝ સઈદની PAK મીડિયાને અપીલ- `ભારત વિરુદ્ધ કાશ્મીર પ્રોપગેન્ડાને કરો હાઈલાઈટ`
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદે પાકિસ્તાની મીડિયાને ભારત વિરુદ્ધ કાશ્મીરી પ્રોપગેન્ડાને હાઈલાઈટ કરવાની અપીલ કરી છે.
નવી દિલ્હી: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદે પાકિસ્તાની મીડિયાને ભારત વિરુદ્ધ કાશ્મીરી પ્રોપગેન્ડાને હાઈલાઈટ કરવાની અપીલ કરી છે. હાફિઝ સઈદે બુધવારે પાકિસ્તાની મીડિયાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી. આ બેઠકમાં અનેક એડિટર્સ, બ્યૂરો ચીફે ભાગ લીધો. અહેવાલો મુજબ સઈદે પાક મીડિયાને કહ્યું છેકે તેઓ દુનિયા સામે પાકિસ્તાનની પોઝિટિવ ઈમેજ દર્શાવે. ઝી ન્યૂઝ પાસે આ બેઠકની એક્સક્લુઝિવ તસવીરો છે.
બીજી બાજુ ચીને આજે મીડિયાના એ રિપોર્ટને ફગાવ્યો છે જેમાં કહેવાયું છેકે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને પશ્ચિમ એશિયાના કોઈ દેશમાં મોકલવાનું સૂચવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા આજે કહ્યું કે 'શી દ્વારા અબ્બાસીને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને પશ્ચિમ એશિયાના કોઈ દેશમાં મોકલવાનું સૂચન આપવાના સમાચાર ચોંકાવનારા અને નિરાધાર છે.'
ચીને મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યાં
સઈદના આતંકવાદી સમૂહો સાથે સંબંધ હોવાના અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયના વધતા દબાણ વચ્ચે ચીને પાકિસ્તાનને હાફિઝ સઈદને પશ્ચિમ એશિયાના કોઈ અન્ય દેશમાં મોકલવાનું સૂચન કર્યુ છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાની વડાપ્રધાનના એક નીકટની વ્યક્તિએ કહ્યું કે ચીને ગત મહિને આયોજિત થયેલા બાઓ ફોરમ દરમિયાન શી જિનપિંગે શાહિદ ખાકાન અબ્બાસીને આ સૂચન આપ્યું.
સઈદ પર એક કરોડ અમેરિકી ડોલરનું ઈનામ
અત્રે જણાવવાનું કે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ સઈદ પર એક કરોડ અમેરિકી ડોલરનું ઈનામ છે. તે 2008 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 6 અમેરિકી નાગરિકો સહિત 166 લોકોના મોત થયા હતાં. કહેવાય છે કે જમાત ઉદ દાવા મુંબઈ હુમલાનું ષડયંત્ર રચનારા લશ્કર એ તૈયબાનું જ એક સંગઠન છે. અમેરિકાએ સઈદનું નામ વૈશ્વિક આતંકવાદીઓની સૂચિમાં સામેલ કર્યુ છે.