PAKમાં સત્તા મેળવવા હાફિઝે પુત્ર-જમાઇ સહીત મેદાનમાં ઉતાર્યા 265 ઉમેદવાર
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી જુલાઈમાં યોજાવાની છે. આ વખતે મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ પણ મેદાનમાં ઉતર્યો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં 25 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જમાત-ઉદ-દાવાએ પાકિસ્તાન ભરમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ 265 ઉમેદવારોમાં મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદના પુત્ર અને જમાઈ પણ સામેલ છે. જાણકારી પ્રમાણે તેના પુત્ર હાફિઝ તલ્હા સઈદ અને જમાઈ ખાલિદ વલીદે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. જાણવા મળી રહ્યું છે કે, તલ્હા લાહોરથી 200 કિમી દૂર સ્થિત સરગોધાથી ચૂંટણી લડશે.
ચૂંટણી પંચે ન આપી મંજૂરી તો અપનાવી આ રીત
આ પહેલા પાકિસ્તાની ચૂંટણી પંચે જમાત-ઉદ-વાદાની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવાની માન્યતા આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ હાફિઝે પોતાના એક નિષ્ક્રિય રાજકીય દળ અલ્લાહ-હુ-અકબર કહરીકથી પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, આ પાર્ટીનું ચૂંટણી નિશાન ખુરશી છે. મિલ્લી મુસ્લિમ લીગ તરફથી જારી નિવેદન પ્રમાણે, ચૂંટણી આયોગે તપાસ પ્રક્રિયા દરમિયાન તમામ 265 ઉમેદવારોના ઉમેદવારી પત્રોનો સ્વીકાર કરી લીધો છે.
સઈદ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય આતંકી યાકૂબ લડી રહ્યો છે ચૂંટણી
પ્રતિબંધિત સંગઠન જમાન ઉદ-દાવાની રાજકીય શાખાએ પાકિસ્તાનને ઈસ્લામનો ગઢ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ ચૂંટણીમાં સઈદ પોતે મેદાનમાં નથી પરંતુ આતંકી મુહમ્મદ શેખ યાકૂબ ચૂંટણી લડી રહ્યો છે. જાણકારી પ્રમાણે યાકૂબને લાહોરની એક સીટથી ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં યાકૂબ લાહોરની એનએ-120 સીટ પરથી ચૂંટણી લડ્યો હતો. પરંતુ આ સીટ પરથી નવાઝ શરીફની પત્ની બેગમ કુલસૂમ શરીફને જીત મળી હતી. આટલું જ નહીં યાકૂબ અમેરિકાની આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં પણ સામેલ છે.
31 મેએ ખતમ થઈ ગયો હતો સરકારનો કાર્યકાળ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તામાં હાલની સરકારનો કાર્યકાળ 31 મેએ ખતમ થઈ ગયો છે. ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નસીરૂલ મુલ્કને ત્યાંના કાર્યવાહક વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના બંધારણ પ્રમાણે સરકારનો કાર્યકાળ પૂર્ણ થયાના 60 દિવસની અંદર ચૂંટણી યોજવાની હોઈ છે.