પાક જેલમાંથી છુટ્યો હામિદ નિહાલ, સામે આવ્યો પ્રથમ ફોટો, વાઘા બોર્ડર કરી ક્રોસ
પાકિસ્તાને ભારતીય નાગરિક હામિદ નિહાલ અંસારેને મંગળવારે જેલમાંથી છૂટો કર્યો હતો અને મોડી સાંજે તેણે વાઘા-અટારી બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો હતો
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતીય નાગિરક હામિદ નિહાલ અનસારીને પાકિસ્તાની જેલમાંથી મંગળવારે છુટો કર્યો હતો. તેણે મોડી સાંજે વાઘા-અટારી બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. મીડિયામાં પ્રસારિત સમાચાર મુજબ એક યુવતીને મળવા માટે હામિદે ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. ગુપ્તચર એજન્સીઓએ તેને પકડી લીધો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ અફઘાનિસ્તાન દ્વારા દેશમાં પ્રવેશ કર્યા બાદ હામિદની 2012માં ધપકડ કરી હતી. 2015માં એક સૈન્ય અદાલતે તેને નકલી પાકિસ્તાની ઓળખ પત્ર ધરાવવાના ગુનામાં ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
સૈનિક અદાલતની ત્રણ વર્ષની સજા ફટકારાયા બાદ મુંબઈનો રહેવાસી અનસારી જેલમાં બંધ હતો. 15 ડિસેમ્બરના રોજ તેની જેલની સજા પુરી થઈ ગઈ હતી, પરંતુ કાયદાકીય દસ્તાવેજો તૈયાર ન થવાને કારણે તે ભારત આવી શક્યો ન હતો. મંગળવારે તેને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા કરીને ભારત પાછો મોકલવામાં આવ્યો હતો.
સરકારી રેડિયો પાકિસ્તાને સમાચાર આપ્યા છે કે, ભારતીય નાગરિકને મંગલવારે માર્દન જેલમાંથી છુટો કરાયો છે અને ઈસ્લામાબાદ મોકલી અપાયો છે. પ્રાપ્ત સમાચાર મુજબ ઓનલાઈન ચેટિંગ દરમિયાન એક યુવતી સાથે મૈત્રી બાદ તે અફઘાનિસ્તાનના માર્ગે થઈને પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાનનો દાવો હતો કે અનસારી એક ભારતીય જાસુસ હતો અને તેણે ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો.
મંગળવારે હામિદ અનસારીએ વાઘા-અટારી બોર્ડર પરથી ભારતીય સિમામાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે તેને લેવા માટે તેના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા હતા. તેના ભારતમાં પ્રવેશતાં જ બોર્ડર ઉપર લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા.