ન્યૂયોર્કઃ વરસાદ જ્યારે સામાન્યથી વધારે પડે, ત્યારે પાણીની સાથે તંત્રની વ્યવસ્થાઓ પણ તણાઈ જતી હોય છે. તંત્ર પ્રત્યે લોકોનો રોષ વધી જાય છે. વધુ વરસાદના કિસ્સામાં ગુજરાતના શહેરોમાં જે દ્રશ્યો સામે આવતાં હોય છે, તેવા જ દ્રશ્યો અત્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જોઈ શકાય છે. વરસાદે સવાસો વર્ષનો રેકોર્ડ તોડી નાંખતા ન્યૂયોર્ક બેટમાં તબ્દીલ થઈ ગયું છે. શહેરમાં વાહનોની જગ્યાએ હોડી ચાલી રહી છે. દુનિયાના સૌથી વિકસિત શહેરોમાંથી એક એવા ન્યૂયોર્કનું તંત્ર પૂર સામે લાચાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરતી આફતોના જોર આગળ માણસોએ કરેલો વિકાસ વામણો છે. ભારે વરસાદ ત્રાટકે ત્યારે દુનિયાના સૌથી વિકસિત શહેરની વ્યવસ્થા પણ ભાંગી પડતી હોય છે...અમેરિકાના ન્યૂયોર્ક શહેરના આ દ્રશ્યો તેનો પુરાવો છે. પૂરના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા છે. રસ્તા, બગીચા, સબવે, કોમર્શિયલ ઈમારતો અને રહેણાંક વિસ્તારો પાણીને હવાલે છે. રસ્તા પર પાર્ક કરેલી કારના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. 


ન્યૂયોર્કના બ્રૂકલીન અને લોઅર મેનહેટન વિસ્તારો વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર તળાવમાં ફેરવાઈ ગયું. રસ્તા પર વાહનો લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણીનો પ્રવાહ આડો આવે છે.પાણીના ઝડપી નિકાલ માટે રસ્તા પરના મેનહોલ ખોલી દેવાયા છે. તેમ છતા પાણીના નિકાલમાં સમસ્યા આવી રહી છે.


આ પણ વાંચોઃ આ દેશમાં દર 6 મહિને થાય છે ચૂંટણી , બદલાઈ જાય છે સરકાર


બ્રૂકલીનમાં મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે પાણીને હવાલે છે, મેટ્રોની છત પર પાણી પડી રહ્યું છે. ટ્રેનની અંદર પાણી ઘૂસી ગયા છે. એવામાં અનેક મુસાફરો અટવાયા હતા. ડિપાર્ટમેન્ટલ સ્ટોર પણ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયા છે. જે સામાન બચી ગયો છે, તેને લોકો પાણી વચ્ચેથી પસાર થઈને ખરીદી રહ્યા છે. ખરીદીનો આવો અનુભવ લોકોને પહેલાં ભાગ્યે જ મળ્યો હશે. 


બ્રૂકલીનમાં ફૂટપાથ પર ઉભેલું એક વિશાળ વૃક્ષ મૂળમાંથી ધરાશાયી થઈને એક કાર પર પડતાં કારનો નકશો બદલાઈ ગયો. જો કે કારમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી ગઈ. રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં લોકોએ વાહનો મૂકીને હોડી ચલાવવાની ફરજ પડી છે. તેના સિવાય બહાર નીકળવાનું શક્ય નથી.


હજુ પણ ન્યૂયોર્કમાં 8 ઈંચ વરસાદની આગાહી છે. જેને જોતાં ન્યૂયોર્કમાં તો શુક્રવારે જ ઈમરજન્સી જાહેર કરી દેવાઈ હતી, હવે ન્યૂ જર્સી રાજ્યના ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી છે. લોકોને બને ત્યાં સુધી ઘરોમાં જ રહેવાની સલાહ અપાઈ છે. ન્યૂયોર્કમાં આ સપ્ટેમ્બરમાં 15 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જે 140 વર્ષમાં સપ્ટેમ્બરમાં બીજી વખત પડેલો સૌથી વધુ વરસાદ છે. અગાઉ સપ્ટેમ્બર 1882માં 16.85 ઈંચ વરસાદ પડ્યો હતો.


આ પણ વાંચોઃ ભારતમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવના આરોપ પર જયશંકર ભડક્યા, આપ્યો જડબાતોડ જવાબ


ન્યૂયોર્ક શહેર નીચાણવાળા વિસ્તારમાં વસેલું છે, જેને જોતાં જ્યારે પણ ભારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય છે. પણ આ વખતની સ્થિતિ અલગ છે. લોકોએ છેલ્લા ઘણા વર્ષોમાં આવી સ્થિતિ નથી જોઈ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube