અમેરિકામાં 100 વર્ષના સૌથી ભયાનક તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. જેનું નામ છે મિલ્ટન(Hurricane Milton). તેના પવનની ઝડપ 289.6 કિલોમીટર પ્રતિ કલાક છે. તે ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું છે. બુધવારે મોડી રાત સુધીમાં તે જમીન પર પહોંચે તેવી શક્યતા છે. શ્રેણી 5નું મિલ્ટન એટલાન્ટિકમાં રેકોર્ડ પર ત્રીજું સૌથી તેજ તીવ્રતાવાળું તોફાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોફાન  હેલનના કહેરના બે અઠવાડિયા બાદ જ તોફાન મિલ્ટન દક્ષિણ-પૂર્વ સંયુક્ત રાજ્ય અમેરિકા તરફ આગળ વધી રહ્યું છે. હેલનના કારણે 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. શ્રેણી 4ના આ વાવાઝોડા સમયે પવનની ઝડપ 225 કિલોમીટર પ્રતિ કલાક હતી. 


અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટરે કહ્યું કે મિલ્ટન પશ્ચિમ-મધ્ય ફ્લોરિડા માટે સૌથી વિનાશકારી તોફાનોમાંથી એક હોઈ શકે છે. તે ખુબ ગંભીર જોખમ છે. ફ્લોરિડાના તોફાનથી પ્રભાવિત થવાની સંભાવનાવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જતું રહેવું જોઈએ. 


કેટલું શક્તિશાળી છે આ તોફાન
રવિવાર અને સોમવારે સવાર વચ્ચે ફક્ત 24 કલાકમાં મિલ્ટન વાવાઝોડું ઉષ્ણકટિબંધીય તોફાનથી શ્રેણી 5ના તોફાનમાં ફેરવાઈ ગયું. રવિવારે મિલ્ટનના પવનની ઝડપ 104.6 કિમી પ્રતિ કલાક હતી. સોમવારે તે વધીને 249.4 કિમી પ્રતિ કલાક થઈ ગઈ. તે મેક્સિકોની ખાડીમાંથી થઈને ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું હતું. હાલમાં મિલ્ટન વાવાઝોડાની પવનની ઝડપ 289.6 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે. તેના કારણે અમેરિકામાં આવેલા સૌથી શક્તિશાળી તોફાનોમાંથી એક કહેવાય છે. 



આટલું તીવ્ર કેમ થઈ ગયું મિલ્ટન
સમુદ્રના ગરમ પાણીના કારણે મિલ્ટન આટલું જલદી તીવ્ર થઈ ગયું. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ જળવાયુ પરિવર્તનના કારણે આવું બન્યું. ગ્રીનહાઉસ ગેસોના વધવાથી જમીન અને મહાસાગરો બંને પર ગરમી વધી રહી છે. જેના કારણે શક્તિશાળી તોફાનો આવી રહ્યા છે. 


મિયામી રોસેનસ્ટીલ સ્કૂલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક બ્રાયન મેકનોલ્ડીએ જણાવ્યું કે આ ઓગસ્ટમાં મેક્સિકોની  ખાડીમાં તાપમાન રેકોર્ડ પર સૌથી વધુ હતું. તે અસામાન્ય ગરમી સતત ચાલુ છે. તેણે મિલ્ટનને આટલું ઝડપથી મજબૂત થવામાં મદદ કરી છે. મિલ્ટનનું કેન્દ્ર ગરમ પાણીમાંથી પસાર થઈ રહ્યું છે. પાણી વર્ષના આ સમયના સરેરાશથી લગભગ 2થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. તે મિલ્ટનને ગતિ આપી રહ્યું છે. બે અઠવાડિયા પહેલા  હેલન સાથે પણ આવું જ થયું હતું. જળવાયુ વિશેષજ્ઞોનું કહેવું છે કે અલ નીનો પ્રભાવ અને કદાચ જ્વાળામુખી વિસ્ફોટ પણ આ માટે જવાબદાર છે. મિલ્ટનના તેજ થવાનું વધુ એક કારણ તેના રસ્તામાં હવાની લહેરોની કમી છે. મિલ્ટનની પહોળાઈ અપેક્ષાકૃત ઓછી છે. 


મિલ્ટનથી કેટલું નુકસાન થઈ શકે
અમેરિકી અધિકારીઓએ લોકોને ફ્લોરિડા છોડવાનો આદેશ આપેલો છે. રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટા પાયે લોકોએ સ્થળાંતર કર્યું છે. લોકોએ પોતાના ઘરો છોડવા પડ્યા છે. ટેમ્પાના મેયર જેન કેસ્ટરે કહ્યું કે "જો તમે અહીં રહેવાનું પસંદ કરશો...તો તમે મરવાના છો."