મેક્સિકો સિટીઃ મેક્સિકોની નજીક પ્રશાંત મહાસાગરમાં રવિવારે વાવાઝોડું 'વિલા' વધુ શક્તિશાળી બનવાની સાથે કેટેગરી-4 (અત્યંત ખતરનાક) શ્રેણીમાં તબદીલ થઈ ગયું છે. આ કારણે મેક્સિકોની પશ્ચિમ કિનારા મઝાલ્ટન અને પ્યુર્ટો વલાર્તામાં આગામી દિવસોમાં ભયાનક વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના રાષ્ટ્રીય વાવાઝોડા કેન્દ્રએ માહિતી આપતા જણાવ્યું કે, 'વિલા' વાવાઝોડું અત્યંત વિનાશક સાબિત થવાની સંભાવના છે. મંગળવારે મેક્સિકોના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્યમાં આ વાવાઝોડાને કારણે તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે વરસાદ તુટી પડશે. 


સાન બ્લાસ અને માઝલ્ટન માટે વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઈ છે, જ્યારે પ્લાયા પેરૂલાથી માંડીને સાન બ્લાસ અને મજાલ્ટનથી માંડીને બહિયા ટેમપેહુયા સુધીનો વિસ્તાર પણ વાવાઝોડાની ઝપટમાં આવી શકે છે. 


ઉલ્લેખનીય છે કે, કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. અમેરિકાના જિયોલોજિકલ વિભાગના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર પોર્ટ હાર્ડીના સુઉથ વેસ્ટથી લગભગ 190 કિમી દૂર, જમીનની અંદર 33 કિમીની ઊંડાઈએ હતું. 


યુએસ જિયોલોજિકલ સર્વેના રિપોર્ટ અનુસાર, કેનેડામાં એક પછી એક એમ બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પ્રથમ ઝટકો 6.6ની તીવ્રતાનો હતો અને બીજો 6.8ની તીવ્રતાનો હતો. સ્થાનિક સમય અનુસાર ભૂકંપનો પ્રથમ ઝટકો 10:39 મિનિટે પોર્ટ હાર્ડીના દક્ષિમ-પશ્ચિમમાં અનુભવાયો હતો. તેના અડધા કલાક બાદ બીજો શક્તિશાળી ઝટકો 11:16 મિનિટે અનુભવાયો હતો. 


કેનેડામાં ભૂકંપના સમાચાર મળતાં જ લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. જોકે, આ દરમિયાન જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. તંત્ર દ્વારા સુનામીની પણ કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.