વાસ્તવિક રીતે વિજય માલ્યા ખોટું બોલી રહ્યો છેઃ અરૂણ જેટલી
કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણાપ્રધાન સાથે મુલાકાતને લઈને સવાલ કર્યો તો માલ્યાએ કહ્યું કે, તે આ બેઠક વિશે વિસ્તારથી જાણકારી આપી શકે નહીં.
નવી દિલ્હીઃ શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના મામલામાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ એક નિવેદન આપીને ધમાકો કરી દીધો છે. માલ્યાએ કહ્યું કે, તે ભારત છોડ્યા પહેલા નાણાપ્રધાનને મળીને આવ્યા હતા. માલ્યાએ કહ્યું, તે સેટલમેન્ટને લઈને નાણાપ્રધાનને મળ્યા હતા, બેન્કોએ મારા સેટલમેન્ટને લઈને સવાલ ઉભા કર્યા છે. મહત્વનું છે કે લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઈની આર્થર રોડ જેલમાં માલ્યાને રાખવાનો વીડિયો રજૂ કર્યો હતો.
કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણાપ્રધાન સાથે મુલાકાતને લઈને સવાલ કર્યો તો માલ્યાએ કહ્યું કે, તે આ બેઠક વિશે વિસ્તારથી જાણકારી આપી શકે નહીં. ઉલ્લેખનીય છે કે માલ્યા જે સમયે દેશ છોડીને ભાગી ગયો તે સમયે અરૂણ જેટલી નાણાપ્રધાન હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, કોર્ટમાં દેખાડાયેલો જેલનો વીડિયો જોઈને તે પ્રભાવિત છે. માલ્યાએ કહ્યું કે, પોતાના બાકી રહેલા નાણાનું સેટલમેન્ટ કરવા માટે તેણે બેન્કોને ઘણીવાર પત્ર લખ્યા હતા, પરંતુ બેન્કોએ તેના પત્રો પર સવાલ ઉઠાવ્યા હતા.
અરૂણ જેટલીએ આપ્યો જવાબ
તો વિજય માલ્યાની ખુલાસા પર નાણા પ્રધાન અરૂણ જેટલીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપી છે..અરૂણ જેટલીએ કહ્યું કે મેં ક્યારેય માલ્યાને મળવાનો સમય નહોતો આપ્યો અને માલ્યાને હું મળ્યો પણ નથી. ગૃહની કાર્યવાહી પૂર્ણ થતાં હું મારા કાર્યાલયમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન રસ્તો રોકતા તેમણે કહ્યું કે હું સેટલમેન્ટ માટે તૈયાર છું. ત્યારે મેં તેમને સલાહ આપી કે તમારે આ વાત તમારા બેંકરને જઈને કહેવી જોઈએ. તે દરમિયાન માલ્યાના હાથમાં રહેલા કાગળનો પણ મેં સ્વીકાર નહોતો કર્યો..આ જ વાતનો માલ્યાએ ઉલ્લેખ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. માલ્યાએ રાજ્યસભાના સાંસદ હોવાનો પણ મલાજો નહોતો જાળવ્યો.
મહત્વનું છે કે માલ્યાએ કહ્યું હતું કે, ભારતીય જેલોની સ્થિતિ ખરાબ છે, તેથી તેને ભારતને સોંપવામાં ન આવે. પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ બ્રિટિશ કોર્ટે ભારતીય અધિકારીઓને જેલનો વીડિયો રજૂ કરવા કહ્યું હતું.