સંયુક્ત રાષ્ટ્રઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેન્ક્રોએ જણાવ્યું છે કે, રાફેલ કરાર 'સરકારથી સરકાર' વચ્ચે થયો હતો. ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 યુદ્ધ વિમાન અંગે જ્યારે અબજો ડોલરનો આ કરાર થયો ત્યારે તેઓ સત્તામાં ન હતા. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાથી અલગ એક પત્રકાર પરિષદમાં મેન્ક્રોને જ્યારે પુછવામાં આવ્યું કે, શું ભારત સરકારે કોઈ સમય ફ્રાન્સ કે ફ્રાન્સની દિગ્ગજ એરોસ્પેસ કંપની ધ સોલ્ટને જણાવ્યું હતું કે તેઓ રાફેલ કરાર માટે ભારતીય ભાગીદાર તરીકે રિલાયન્સને પસંદ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગયા વર્ષે મે મહિનામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ બનેલા મેન્ક્રોએ મંગળવારે પત્રકારોને જણાવ્યું કે, 'હું એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહીશ. આ એક સરકારની બીજા સરકાર સાથે થયેલી વાટાઘાટો હતી. હું માત્ર એ બાબત તરફ ઈશારો કરવા માગું છું જે થોડા દિવસો અગાઉ વડા પ્રધાન (નરેન્દ્ર) મોદીએ અત્યંત સ્પષ્ટપણે કહી હતી.' 


મેન્ક્રોએ રાફેલ કરાર પર શરૂ થયેલા વિવાદ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું કે, 'આ અંગે હું વધુ કશું જ કહેવા માગતો નથી. એ સમયે હું પદ પર ન હતો અને હું જાણું છું કે અમારા નિયમ એકદમ સ્પષ્ટ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ભારત અને ફ્રાન્સ વચ્ચે સૈનિક અને સંરક્ષણ ક્ષેત્રનું ગઠબંધન છે. તે માત્ર ઔદ્યોગિક નહીં પરંતુ વ્યૂહાત્મક ગઠબંધન છે.'


ઉલ્લેખનીય છે કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રૂ.58,000 કરોડના ખર્ચે 36 રાફેલ વિમાન ખરીદવાનો સોદો થયો હતો. હવે, આ કરાર મુદ્દે ભારતમાં મોટો વિવાદ પેદા થયો છે. આ વિવાદ પાછળનું કારણ ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદનું નિવેદન છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાફેલ કરારમાં ભારતીય કંપનીની પસંદગી નવી દિલ્હીના ઈશારે કરાઈ હતી.