ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ગ્લેશિયર તૂટવાના કારણે થયેલી તારાજી એકમાત્ર ઘટના નથી. જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ પહેલાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. પહાડો પર આવી ઘટનાઓ ગ્લેશિયર તૂટવાથી કે પછી ગ્લેશિયરના કારણે બનેલ તળાવની દીવાલ તૂટવાથી થાય છે. આવો જાણીએ કે દુનિયામાં આ ખતરનાક ગ્લેશિયર કે ગ્લેશિયર તળાવના તૂટવાથી ક્યાં-ક્યાં આવી ઘટનાઓ બની.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 1996ની આઈસલેન્ડ દુર્ઘટના:
આઈસલેન્ડના વાત્નાઝોકુલ ગ્લેશિયરની વચ્ચે ગ્રિમ્સવોન તળાવ છે. આ તળાવની અંદર એક જ્વાળામુખી છે. 1996માં આ જ્વાળામુખી ફાટ્યો. તેના કારણે વાત્નાઝોકુલ ગ્લેશિયરનો મોટો ભાગ ખસીને સ્કીયોઆરા નદીમાં જઈને પડ્યો. પરિણામ સ્વરૂપે નદીમાં પૂર આવી ગયું. અને 50 હજાર ક્યૂબિક મીટર પ્રતિ સેકંડની ગતિએ પાણી વહેવા લાગ્યું. જેના કારણે 13 ફૂટ ઉંચી અને લગભગ અડધો કિલોમીટર પહોળી લહેર ઉઠી. આ લહેરમાં 100થી 200 ટનના આઈસબર્ગ તરતા હતા. તેમાંથી કેટલાંક તો 33 ફૂટ ઉંચા હતા. આ દુર્ઘટનામાં કોઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા ન હતા. પરંતુ ભારે નુકસાન થયું હતું.


2. અલાસ્કામાં અવારનવાર તૂટે છે ગ્લેશિયર:
અલાસ્કાના પ્રાચીન ઈતિહાસમાં લેક એટના અને કોપર રિવર બેસિને અનેક ગ્લેશિયલ આઉટબર્સ્ટ ફ્લડને ઉભું કર્યુ છે. લેક જ્યોર્જના કારણે 1918થી 1966 સુધી લગભગ દર વર્ષે નિક નદીમાં ગ્લેશિયર પૂર આવ્યું છે. તળાવની ચારે બાજુ બરફની મોટી દિવાલ બને છે. જોકે પાણીના દબાણના કારણે તે તૂટી જાય છે. સૌથી વધારે ગ્લેશિયર પૂર દક્ષિણ-પૂર્વ અલાસ્કાના એબીસ લેકમાં આવે છે. પરંતુ આ વિસ્તારમાં કોઈ રહેતું ન હોવાના કારણે લોકોના જાનમાલને નુકસાન થવાની આશંકા ઓછી રહે છે.


3. અમેરિકામાં ગ્લેશિયરથી આવેલ પૂરનો મોટો ઈતિહાસ:
અમેરિકામાં સૌથી પ્રાચીન ગ્લેશિયર પૂરની ઘટનાને મિસૌલા પૂર કે સ્પોકેન પૂરના નામથી ઓળખવામાં આવે છે. આ ઉત્તરી અમેરિકાના કોલંબિયા નદીની ઘટના છે. પરંતુ તેમાં સૌથી મોટી ઘટના 6થી 10 સપ્ટેમ્બર 2003ની વચ્ચે નોંધવામાં આવી. જ્યારે વ્યોમિંગમાં વિન્ડ રિવર માઉન્ટેન્સના ગ્રાસહોપર ગ્લેશિયર તૂટવાથી તારાજી સર્જાઈ. તેના કારણે 24.60 લાખ ક્યૂબિક મીટર પાણી ચાર દિવસ સુધી વહેતુ રહ્યુ. આ ઘટનાથી 32 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો.


4. પેરૂમાં દુનિયાની સૌથી ભયાનક તબાહી:
પેરૂમાં 13 ડિસેમ્બર 1941માં કોર્ડીલેરા બ્લેન્કા પહાડની નીચે બનેલ ગ્લેશિયરનો એક મોટો ટુકડો તૂટીને પાલ્કાકોચા તળાવમાં પડ્યો. જેના કારણે તળાવની બરફની દિવાલ તૂટી ગઈ. ત્યારબાદ જે પૂર આવ્યું, તેનાથી હુઆરાજ વિસ્તારના 1800થી 7000 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન ગ્લેશિયરના કારણે આવનારા પૂર પર ગયું. જેના પછી આખી દુનિયામાં ગ્લેશિયરની સ્થિતિઓની તપાસ અને રિસર્ચ શરૂ થઈ ગયુ.


5. કેનેડામાં 1783થી 2003 સુધી આવી અનેકવાર તબાહી:
કેનેડામાં ગ્લેશિયર તૂટવાના કારણે આવેલ પૂરની પહેલી મોટી ઘટના 1978ની છે. કેથેડ્રલ ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કારણે આવેલ પૂરથી કેનેડિયન પેસિફિક રેલવે ટ્રેક પર એક માલગાડી પાણી અને કીચડમાં તણાઈ. ટ્રાન્સ કેનેડાનો કેટલોક ભાગ કીચડમાં ધરાશાયી થયો. આવી જ ઘટના 1994માં બ્રિટિશ કોલંબિયાના ફેરો ક્રીકમાં બની. ત્યારબાદ 2003માં એક ગ્લેશિયર તૂટવાથી એલિસમેયર ટાપુ નજીક આવેલ ટુબોર્ગ તળાવમાં પૂર આવી ગયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.


6. ભૂટાનના 2674માંથી 24 ગ્લેશિયર તળાવ ખતરનાક:
ભૂટાનમાં 2674 ગ્લેશિયલ તળાવ છે. તેમાંથી 24 એવા છે જે ગમે ત્યારે પૂર લાવી શકે છે. ઓક્ટોબર 1994માં પુનાખા જોંગથી 90 કિલોમીટર દૂર અપસ્ટ્રીમમાં ગ્લેશિયર તૂટવાના કારણે ફો છૂ નદીમાં પૂર આવી ગયું. તેનાથી આખો પુનાખા જોંગ વિસ્તાર નષ્ટ થઈ ગયો. અનેક લોકોના મૃત્યુ થયા. વર્ષ 2001માં વૈજ્ઞાનિકોની તપાસમાં સામે આવ્યું કે આ ઘટના થોરથોર્મી તળાવમાં ગ્લેશિયરનો ભાગ તૂટવાથી બની હતી. જેના કારણે આ તળાવમાંથી એક પાણીની એક નાની નહેર કાઢી નાંખવામાં આવી. જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.


7. ઈંગ્લેન્ડમાં 2 વાખ વર્ષ પહેલાની દુર્ઘટના:
એવું માનવામાં આવે છે કે ડોવરની ખાડી 2 લાખ વર્ષ પહેલાં ત્યારે બની જ્યારે વીલ્ડ-અર્ટાયસ એન્ટીક્લાઈન પર એક ગ્લેશિયર તૂટ્યો. તેના પછી અહીંયા એક પ્રાકૃતિક ડેમ બની ગયો અને મોટું તળાવ બની ગયું. પરંતુ ધીમે-ધીમે આ તળાવ ઉત્તરી સાગરમાં ફેરવાઈ ગયું. તે ઘટનાનું સાચું કારણ આજ સુધી જાણી શકાયું નથી. પરંતુ તેના કારણે બ્રિટેનને યૂરોપિયન મહાદ્વીપ સાથે જોડનાર સ્થળ સાથેનો સંપર્ક તૂટી ગયો. જોકે તેનાથી એક ઘાટી બની જે ઈંગ્લીશ ચેનલની નીચે છે.


8. 1985માં નેપાળમાં આવેલ કહેર:
નેપાળમાં ગ્લેશિયર તૂટવા અને ગ્લેશિયર તળાવ ફાટવાની ઘટનાઓ અવારનવાર બને છે. પરંતુ 1985માં ડિગ ચો ગ્લેશિયર તળાવે ભારે તબાહી મચાવી હતી. 1996માં નેપાળની સરકારે જાહેરાત કરી કે ડિગ શે, ઈમ્ઝા, લોઅર બરુન, તોશો રોલ્પા અને થુલાગી નામના પાંચ ગ્લેશિયર અત્યંત ખતરનાક છે. આ બધા 4100 મીટરથી વધારેની ઉંચાઈ પર આવેલ છે. વર્ષ 2001માં ICIMODની સ્ટડીમાં સામે આવ્યું છેકે નેપાળમાં આવનારા વર્ષોમાં કેટલાંક એવા ગ્લેશિયર તળાવ છે જે ખતરનાક છે. તે ગમે ત્યારે ફાટી શકે છે. અહીંયા હાલ 20 ખતરનાક તળાવ છે. તે સિવાય ગંડકી નદીના બેસિનમાં 1025 ગ્લેશિયર અને 338 ગ્લેશિયર તળાવ છે.


9. 1929માં સિંધુ નદીમાં આવી હતી આફત:
1929માં કારાકોરમ રેન્જમાં આવેલ ચોન્ગ કુમદાન ગ્લેશિયરના તૂટવાથી સિંધુ નદીમાં પૂર આવ્યું હતું. તેના કારણે 1200 કિલોમીટર સુધી પાણીનો ઝડપી પ્રવાહ હતો. સૌથી ખરાબ સ્થિતિ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એટોક જિલ્લામાં હતી. જ્યાં ભારે નુકસાન થયું હતું. તેના પછી અનેકવાર નાની-મોટી ઘટનાઓ બનતી રહે છે. આ વર્ષે 7 ફેબ્રુઆરીએ નંદા દેવી ગ્લેશિયર તૂટવાથી આવેલા પૂરે પાવર પ્લાન્ટને બર્બાદ કરી નાંખ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે 150 લોકોના મોત થયા છે.


10. તિબ્બતમાં અવારનવાર બને છે ઘટના:
તિબ્બતમાં 1978થી લઈને 2005 સુધી અનેકવાર ગ્લેશિયરના કારણે પૂર આવ્યું છે. હિમાલય પર 5700 મીટરની ઉંચાઈ પર આવેલ લોંગબસાબા અને પીડા નામના તળાવ અવારનવાર પૂર લઈને આવે છે. વર્ષ 2006માં એક અનુમાન કરવામાં આવ્યું હતું કે જો આ બંને બરફના તળાવના કારણે પૂર આવે છે તો નેપાળના 23 ગામ તેમાં ધોવાઈ જશે. આ વિસ્તારમાં 12,500થી વધારે લોકો રહે છે. ઓગસ્ટ 2000માં ગ્લેશિયર તૂટતાં આવેલા પૂરમાં 10,000 ઘર અને 98 પુલ નષ્ટ થયા હતા. ખેડૂતોને ખાવાના ફાંફા પડવા લાગ્યા હતા. તે પહેલાં 1978માં શક્સગમ નદીની ઘાટીમાં આવું જ ભયાનક પૂર આવ્યું હતું.


11. ગ્લેશિયર પૂરની સાક્ષી રહી છે સ્વિસ એલ્પ્સ:
વર્ષ 1818માં ગિટ્રો ગ્લેશિયરે ભારે તારાજી સર્જી હતી. તેનાથી દક્ષિણ-પશ્વિમ સ્વિત્ઝરલેન્ડમાં 44 લોકોના મોત થયા હતા. આ પહેલાં 1595માં આ જ ગ્લેશિયરે 140 લોકોનો જીવ લીધો હતો. જ્યારે આ ગિટ્રો ગ્લેશિયરના કારણે બનેલ તળાવની ઉંડાઈ માપવામાં આવી તો તે 2 કિલોમીટર હતી. તેના ફાટવાની રાહ ન જોતાં એન્જિનિયર ઈગ્નાઝ વેન્તેઝે તેમાં કાણું પાડવાનું શરૂ કર્યુ. જેથી પાણી કાઢી શકાય. કામ સફળ પણ રહ્યુ. વેન્તેઝે આજુબાજુના ગામના લોકોને કેટલાંક દિવસ દૂર રહેવા માટે સૂચિત કર્યા. પરંતુ 16 જૂને બરફનો ડેમ તૂટી ગયો અને ઘાટીમાં આવેલા ગામડાઓ તારાજ થઈ ગયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube