ઇસ્લામાબાદઃ આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા પાકિસ્તાનના લોકોએ મોંઘવારી અને અરાજકતાનો વધુ માર સહન કરવો પડે તેમ છે. IMFએ આર્થિક મદદ માટે પાકિસ્તાન સામે જે શરત મૂકી છે, તેને પૂરી કરવી પાકિસ્તાનના શાસકો માટે લગભગ અશક્ય છે. તેમ છતા ત્યાંની જનતાએ તેની કિંમત ચૂકવવી પડે તેમ છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસકોના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે. વિદેશી મદદ સિવાય પાકિસ્તાનનું ગાડું ચાલે તેમ નથી. ઘણા દેશોએ પાકિસ્તાનને નવું ઋણ આપવાનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાનની આશા હવે IMF પર જ ટકેલી છે. જો કે પાકિસ્તાનની સ્થિતિને જોતાં IMFએ પણ પોતાનું બેલઆઉટ પેકેજ લાંબા સમયથી અટકાવી રાખ્યું છે. 


પાકિસ્તાનના શાસકોની સતત વિનંતી બાદ IMF પેકેજ આપવા તૈયાર થયું છે, જો કે આ માટે IMFએ શાસકો સમક્ષ એક શરત મૂકી છે. આ શરત પ્રમાણે પાકિસ્તાને આગામી સાત મહિનામાં બાહ્ય દેવું ચૂકવવું પડશે. આ માટે પાકિસ્તાનને 8 અબજ ડોલરની વ્યવસ્થા કરવા માટે કહેવાયું છે. જો પાકિસતાન આમ કરે તો તેને IMF તરફથી 6.5 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મળે તેમ છે.


જો કે આ શરતનું પાલન કરવું પાકિસ્તાન માટે સરળ નથી. પાકિસ્તાન પાસે વિદેશી ચલણ ભંડોળ 4 અબજ ડોલરનું બચ્યું છે, એવામાં તે 8 અબજ ડોલરનું દેવું ક્યાંથી ચૂકતે કરશે.


આ પણ વાંચોઃ આ દેશે ઈચ્છા મૃત્યુને આપી માન્યતા, 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માંગી શકે છે મોત


બીજી મુશ્કેલી એ છે કે IMFનું બેલઆઉટ પેકેજ મેળવવા પાકસ્તાનના શાસકોએ આર્થિક મોરચે સખ્ત નિર્ણયો લેવા પડે. જો કે પાકિસ્તાન વ્યાજદરો વધારવા સહિતના આ પગલાં પહેલાથી જ લઈ ચૂક્યું છે. તેનું જ કારણ છે કે પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને છે. લોકો જીવનજરૂરિયાતની ચીજો માટે વલખાં મારી રહ્યા છે. જો આર્થિક મોરચે આનાથી પણ આકરા નિર્ણય લેવાય તો હવે ગૃહયુદ્ધ ફાટી નીકળશે. ઈમરાન ખાનની ધરપકડ બાદ આ માટેનો તખ્તો પહેલાથી જ તૈયાર થઈ ચૂક્યો છે. 


પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સાવ તળિયે આવી ગઈ છે. પાકિસ્તાનનો રૂપિયો ડોલર  સામે 300 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. વિદેશી ચલણ ભંડોળ 4.5 અબજ ડોલરના તળિયાના સ્તરે પહોંચી ગયું છે. જેનાથી ફક્ત એક મહિના સુધી જ આયાત કરી શકાય તેમ છે. દેશ વિદેશી દેવના ભાર તળે દબાઈ ગયો છે. ફુગાવાનો દર 35 ટકાથી વધુ છે. જેને જોતાં રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનને દેવાળિયા થવાની ચેતવણી જાહેર કરી દીધી છે.  લોકો મોંઘવારી વચ્ચે પિસાઈ રહ્યા છે, તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શને પાકિસ્તાનની આફત ઓર વધારી દીધી છે.


તેમ છતા પાકિસ્તાનના શાસકો કાશ્મીર રાગ ગાવાનું નથી છોડતા. દેશને આર્થિક સંકટમાંથી ઉગારવાની જગ્યાએ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પીઓકેના અલગાવવાદી નેતાઓ સાથે મુલાકાતમાં વ્યસ્ત રહે છે. બિલાવલ કાશ્મીરના લોકો માટે મગરના આંસુ સારે છે, પણ પોતાના દેશની ભૂખે મરતી જનતાની તેમને કોઈ દરકાર નથી. એવામાં હવે જોવું એ રહેશે કે પાકિસ્તાનને આર્થિક મોરચે કોણ બચાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube