PAK પીએમ ઈમરાન ખાનનો પત્ર, `ડિયર મોદીસાહેબ...હું તમારી સાથે મળીને કામ કરવા માંગુ છું`
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત સાથે ફરીથી એકવાર વાતચીત શરૂ કરવાના પક્ષમાં છે. તેઓ ઈચ્છે છે કે બંને પાડોશી દેશો વચ્ચે ફરી વાતચીતનો રસ્તો ખુલે. આ માટે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે
લાહોર: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત સાથે ફરીથી એકવાર વાતચીત શરૂ કરવાના પક્ષમાં છે. તેઓ ઈચ્છે છે કે બંને પાડોશી દેશો વચ્ચે ફરી વાતચીતનો રસ્તો ખુલે. આ માટે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. ઈમરાન ખાને આશા વ્યક્ત કરી છે કે બંને દેશોના વિદેશ મંત્રી આ મહિને ન્યૂયોર્કમાં થનારી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠક ઉપરાંત વાતચીત કરે. તેમનો આ પત્ર ઝી ન્યૂઝની સહયોગી ચેનલ WION પાસે છે.
ઈમરાન ખાને પત્રમાં લખ્યુ છે કે તેઓ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા સમાધાનની દિશામાં આગળ વધારવામાં આવે. આ માટે ઈમરાન ખાને પીએમ મોદીને જે પત્ર લખ્યો તે આ પ્રકારે છે...
ડિયર મોદીસાહેબ
મારા વડાપ્રધાન બનવા પર તમે જે મને હાર્દિક શુભેચ્છાઓ મોકલી તે માટે તમારો આભાર. હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું. વાતચીત અને સહયોગથી જ બંને દેશોના સંબંધોને આગળ વધારી શકાય છે. આ ભાવનાઓને ધ્યાનમાં રાખતા પાકિસ્તાનના કાયદા અને સૂચના મંત્રી ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર સમયે ભારત આવ્યા હતાં. વાજપેયી એ લોકોમાં સામેલ હતાં જેમણે બંને દેશો વચ્ચે સંબંધ સુધારવાની દિશામાં ખુબ શિદ્દતથી ડગલું ભર્યુ હતું.
પાકિસ્તાન અને ભારતના સંબંધો ખુબ પડકારરૂપ છે. અમે ઈચ્છીએ છીએ કે આપણી આવનારી પેઢીઓ માટે આપણા તમામ મોટા મુદ્દાઓનું શાંતિપૂર્ણ સમાધાન શોધીએ. જેમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો પણ સામેલ છે. સિયાચિન અને સરક્રીક પણ આવા જ મુદ્દાઓ છે, જે શાંતિપૂર્ણ હલ ઈચ્છે છે. પાકિસ્તાન આતંકવાદ ઉપર પણ વાતચીત કરવા માટે તૈયાર છે. અમે વ્યાપાર ઉપર પણ વાતચીત કરવા માંગીએ છીએ. લોકોનો પરસ્પર સંવાદ થાય. ધાર્મિક યાત્રા માનવીય મુદ્દા પણ મહત્વના છે.
પાકિસ્તાનના PM ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, વ્યક્ત કરી એક ખાસ ઈચ્છા
અમે ઈચ્છીએ છીએ કે બંને દેશો વચ્ચે એક આપસી સંબંધ બને અને શાંતિ કાયમ થાય. આથી હું પાકિસ્તાનના વિદેશ મંત્રી મખદૂમ શાહ મહેમૂદ કુરૈશી અને ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે મીટિંગનો પ્રસ્તાવ મૂકુ છું. આ મીટિંગ ન્યૂયોર્કમાં થનારી યુએન જનરલ એસેમ્બલી ઉપરાંત થાય. આ મીટિંગથી આગળના રસ્તા નિકળી શકે છે. ખાસ કરીને ઈસ્લામાબાદમાં થનારી સાર્ક સમિટ પહેલા આ એક મોટી પહેલ હશે. આ સમિટ તક હશે જ્યારે તમે પાકિસ્તાનની મુલાકાત કરો તો વાતચીત દ્વારા આગળના રસ્તા ખુલે.
હું તમારી સાથે મળીને બંને દેશોના લોકોના ફાયદા માટે કામ કરવા માંગુ છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.
આ અગાઉ પીએમ મોદીએ પણ નવી સરકાર પ્રત્યે સારું વલણ અપનાવતા તેમણે પોતે ઈમરાન ખાનને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ ભેટ સ્વરૂપે એક ક્રિકેટ બેટ મોકલ્યું હતું. આ બદલ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં ભલામણ કરાઈ છે કે યુએનની બેઠક સિવાય ભારતના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વાતચીત કરે.
નોંધનીય છે કે આગામી મહિને સયુંક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની બેઠક થવાની છે. કહેવાય છે કે પીએમ મોદીએ ગત દિવસોમાં બંને દેશો વચ્ચે નવેસરથી સંબંધો સુધારવાના સંકેતો આપ્યા છે. જેના જવાબમાં ઈમરાન ખાને પણ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ અગાઉ ચૂંટણીમાં જીત નોંધાવતા પહેલા ઈમરાન ખાને એમ પણ કહ્યું હતું કે જો ભારત એક ડગલું આગળ વધશે તો તેઓ બે ડગલાં આગળ વધશે.