Pakistan: ક્યારે મળશે રાહત? છોડી મૂકવાના આદેશ બાદ તરત બીજા કેસમાં ઈમરાન ખાનની થઈ ધરપકડ
Pakistan News: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના ચીફ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં મોટી રાહત મળી. જો કે ત્યારબાદ તરત જ એફઆઈએ દ્વારા તેમની ધરપકડ થઈ. તેમની આ ધરપકડ સિફર કેસમાં થઈ છે. આ કેસમાં તેમને કાલે કોર્ટમાં રજૂ કરાશે.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના ચીફ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં મોટી રાહત મળી. જો કે ત્યારબાદ તરત જ એફઆઈએ દ્વારા તેમની ધરપકડ થઈ. તેમની આ ધરપકડ સિફર કેસમાં થઈ છે. આ કેસમાં તેમને કાલે કોર્ટમાં રજૂ કરાશે. આ અગાઉ ઈસ્લામાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પલટી નાખતા તેમને જેલમાંથી છોડવાનો આદેશ આપ્યો. પીટીઆઈ તરફથી કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કરાયું અને તેને બંધારણની જીત ગણાવવામાં આવી હતી.
અત્રે જણાવવાનું કે હાલમાં જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું અને તેમની જગ્યાએ અનવર અલ હક કેરટેકર પ્રધાનમંત્રી બન્યા છે. બલુચિસ્તાન અવામી પાર્ટી સાથે જોડાયેલા સીનેટર અનવર ઉલ હક આ વર્ષના અંતમાં નવી ચૂંટણી સુધી કાર્યવાહક સરકારનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી શરીફે 9 ઓગસ્ટના રોજ નેશનલ અસેમ્બલીને ભંગ કરવાની ભલામણ કરી હતી. આવામાં બંધારણ મુજબ આગામી ચૂંટણી 90 દિવસમાં થશે.
જેલમાં કીટ પતંગોથી પરેશાન હતા ઈમરાન ખાન
ઈમરાન ખાનને અટક જેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ઈચ્છતા હતા કે અટકથી રાવલપિંડીની અદિયાલા જેલમાં શિફ્ટ કરવામાં આવે. ઈમરાન ખાનના વકીલોનું કહેવું છે કે 70 વર્ષના ઈમરાન ખાન જેલમાં રહેવા માંગતા નથી કારણ કે ત્યાં દિવસના સમયે માખીઓ અને રાતે જીવડાઓએ તેમનું જીવન બેહાલ કરી નાખ્યું છે.
3 વર્ષની સજા, 5 વર્ષ ચૂંટણી લડવા પર રોક
ઈમરાન ખાનને તોશાખાના કેસમાં 3 વર્ષની સજા થઈ હતી. આ ઉપરાંત ચૂંટણી પંચે તેમના પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર રોક લગાવી હતી. ઈમરાને તોશાખાના કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા બાદ નીચલી કોર્ટના ચુકાદાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે નીચલી કોર્ટના ચુકાદા પર કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચાર મામલે તેમને સજા આપવી એ ન્યાયાધીશનો પક્ષપાતી ચુકાદો હતો. આ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ સુનાવણીના ચહેરા પર તમાચો છે. આ સાથે જ તે ન્યાય તથા યોગ્ય પ્રક્રિયાની મજાક ઉડાવવા જેવું છે.
શું છે તોશાખાના કેસ
તોશાખાના કેબિનેટનો એક વિભાગ છે જ્યાં અન્ય દેશની સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને વિદેશી મહેમાનો દ્વારા અપાયેલા ખુબ જ કિંમતી ઉપહારો એટલેકે ભેંટ રાખવામાં આવે છે. નિયમો હેઠળ કોઈ અન્ય દેશોના પ્રમુખો કે ગણમાનય્લોકો પાસેથી મળેલી બેટ તોશાખાનામાં રાખવી જરૂરી છે. ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. તેમને અરબ દેશોના પ્રવાસ દરમિયાન ત્યાંના શાસકો પાસેથી મોંઘી ભેટ મળી હતી. તેમને અનેક યુરોપીયન દેશોના રાષ્ટ્રપ્રમુખો પાસેથી પણ ખુબ જ કિંમતી ભેટ મળી હતી. જેને તેમણે તોશાખાનામાં જમા કરાવી હતી. પરંતુ ઈમરાન ખાને બાદમાં તોશાખાનાથી તે સસ્તા ભાવે ખરીદી અને મોટો નફો રળીને વેચી દીધી. આ સમગ્ર પ્રક્રિયાને તેમની સરકારે કાનૂની મંજૂરી આપી હતી.