ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈમરાન ખાનને કર્યો ફોન, જવાબ મળ્યો- `કહી દો હું વ્યસ્ત છું`
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનનો બે વાર ફોન કટ કરી નાખ્યો.
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોનનો બે વાર ફોન કટ કરી નાખ્યો. પાકિસ્તાનની ચૂંટણીમાં ભવ્ય જીત મળ્યા બાદ દુનિયાભરના નેતાઓ ઈમરાન ખાનને અભિનંદન પાઠવી રહ્યાં છે અને આગળ સહયોગની રણનીતિ પર ચર્ચા કરી રહ્યાં છે. આ મામલે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈમરાન ખાનને ફોન કર્યો તો ઈમરાન ખાને કહ્યું કે તેમને કહો કે હું બિઝી છું. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે ટ્વિટ કરીને આ જાણકારી આપી.
વાત જાણે એમ હતી કે ઈમાનુએલ મેક્રોનનો ફોન આવ્યો ત્યારે ઈમરાન ખાન વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં. આથી તેમણે ફોન પર વાત કરવાની ના પાડી દીધી. જ્યારે થોડીવારમાં ફરીથી ફોન આવ્યો તો ત્યારે પણ પત્રકારો સાથે વાતચીત ચાલી રહી હતી. એકવાર ફોન આવી ગયો હતો આથી પાકિસ્તાનના વિદેશ સચિવ તેહમિના જંજૂઆ ઈચ્છતા હતાં કે ઈમરાન વાત કરે. પરંતુ તેણે ના પાડી દીધી.
ઈમરાનની પત્રકારો સાથેની આ બેઠકમાં વરિષ્ઠ પત્રકાર હામિદ મીર પણ બેઠા હતાં. તેમણે ટ્વિટ કરીને ઈમરાનના વખાણ કરતા કહ્યું કે નવું પાકિસ્તાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફોન કર્યો પરંતુ તેઓ પત્રકારો સાથે મીટિંગમાં વ્યસ્ત હતાં. વિદેશ સચિવ તેહમિમા જંજૂઆ ઈચ્છતા હતાં કે પીએમ ફોન પર વાત કરી લે પરંતુ પીએમએ કહ્યું કે હું અહીં વ્યસ્ત છું, તેમને કહો કે 30 મિનિટમાં ફોન કરે.
પાકિસ્તાનના અખબારોમાં ઈમરાન ખાનના આ વર્તનના ખુબ વખાણ થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં હાલ થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી.