શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
The FIVE EYES (FVEY)...આખરે શું છે આ ફાઈવ આઈઝ? રાષ્ટ્રીય સુરક્ષાના નામે બનેલા આ સંગઠનમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બ્રિટન સામેલ છે. એવું કહી શકાય કે પબ્લિક સેફ્ટીના નામે દુનિયાના 5 શક્તિશાળી દેશોની દાદાગીરી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વના ટોપના 5 ધનાઢ્ય દેશો પોતાની સુરક્ષાનો હવાલો આપીને દુનિયામાં ગમે ત્યાં જાસૂસી, ફોન ટેપિંગ, ગુપ્ત ઓપરેશન અને મિલેલ્ટ્રી તથા સિવિલ ઈન્ટેલિજન્સની ગતિવિધિઓને અંજામ આપે છે.
ખતરનાક નેટવર્ક
આ પાંચ દેશોએ મળીને ગ્લોબલ ઈન્ટેલિજન્સનું એક ખતરનાક નેટવર્ક તૈયાર કર્યું છે. વૈશ્વિક નિગરાણીથી મળેલા ઈનપુટને આ પાંચ દેશ સમયાંતરે પોતાના હિત માટે ઉપયોગમાં લે છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ દુનિયાના અન્ય દેશો પર લગામ કસવા માટે પણ કરાય છે. આ દેશ દુનિયાના મંચ પર તાકાત અને પ્રતિષ્ઠાથી છલોછલ હોવાના કરાણે છેલ્લા અનેક દાયકાઓથી તેમની કરણી પર સવાલ ઉઠાવનારા કોઈ હતા નહીં. પરંતુ હવે ગ્લોબલ ઓર્ડરમાં જાણે તૂટફૂટ મચેલી છે અને તેમની કરણી પર સતત સવાલ થઈ રહ્યા છે.
કેનેડાના પીએમ કરી રહ્યા છે ઉપયોગ?
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો હાલ આ જ તરકીબ અજમાવીને ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભારત પણ કઈ દબાણમાં આવે તેવું નથી. તેણે પણ કેનેડા આગળ દર્શાવી દીધુ છે કે The FIVE EYES ની દાળ ભારત આગળ ગળે તેમ નથી. ભારત પાસે તેમની દબંગાઈ સહન કરવાનો સમય જ નથી.
સરળ શબ્દોમાં કહીએ તો આ ફાઈવ આઈઝ દુનિયાભરમાં જાસૂસી કરવા માટે આ પાંચ દેશો દ્વારા બનવવામાં આવેલું સંગઠન છે. આ દેશો જાસૂસી ઈનપુટ એકબીજા સાથે શેર કરે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સોમવારે ઉતાવળમાં બોલાવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કેનેડાએ આ તમામ સૂચનાઓ અને ઈનપુટને ફાઈવ આઈઝના દેશો સાથે શેર કરી છે જેમાં કેનેડાના જણાવ્યા મુજબ ગત વર્ષ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય રાજનયિકોની કથિત રીતે સંડોવણીનો આરોપ છે.
ક્યારે આવ્યું અસ્તિત્વમાં?
હકીકતમાં ધ ફાઈવ આઈઝ ત્યારે અસ્તિત્વમાં આવ્યું જ્યારે દુનિયા વર્લ્ડ વોર 2ના આઘાતમાંથી પસાર થઈ રહી હતી. બ્રિટનના સામ્રાજ્યના અંત, અમેરિકાના સુપર પાવર તરીકે ઉભરવા અને અમેરિકી વર્ચસ્વ વિરુદ્ધ સોવિયેત સંઘના ઉદયે પશ્ચિમી દુનિયાને હચમચાવી દીધી. પશ્ચિમી દેશોને એક એવા સંગઠનની જરૂર લાગી જે દુનિયાભરમાં તેમના શત્રુઓની ખબર લઈ શકે. આ સિવાય એક એવા પણ સંગઠનની જરૂર હતી જે દુનિયાભરથી ગુપ્ત જાણકારીઓ નીતિ અને નિયમોને બાજુ પર મૂકીને ભેગી કરી શકે. ત્યારબાદ આ સૂચનાઓને આ સંગઠનમાં સામેલ દેશો પરસ્પર શેર કરી શકે અને પોતાના કથિત રાષ્ટ્રીય હિતોની રક્ષા કરી શકે.
છેલ્લા ત્રણ ચાર દાયકાઓમાં ચીનના વધતા વર્ચસ્વએ પણ આ દેશોને કાઉન્ટર બેલેન્સિંગ માટે એવી ગુપ્ત જાણકારીઓ ભેરી કરવા માટે એક સંગઠન બનાવવાની ફરજ પાડી. જેની જરૂરિયાત જોતા 1943માં અમેરિકા અને બ્રિટને પહેલા એક સંધિ કરી. આ સંધિ બાદ અમેરિકા અને બ્રિટન સિગ્નલ ઈન્ટેલિજન્સમાં ઔપચારિક રીતે સામેલ થયા. તેને બ્રિટિશ-યુએસ સંચાર ઈન્ટેલિજન્સ સંધી (BRUSA) કહે છે. 1946માં અમેરિકા અને બ્રિટનની આ સમજૂતિ UKUSA માં ફેરવાઈ ગઈ. આ સંધિના દાયરામાં કોમ્યુનિકેશન ઈન્ટેલિજન્સના તમામ દાયરા સામેલ હતા. આ ગ્રુપના સભ્ય સર્વિલાન્સ અને સિગ્નલ ઈન્ટેલિજન્સ (SIGINT) બંને પ્રકારના પગલાં ભરે છે. કેનેડા આ સંગઠનમાં 1948માં જોડાયું. પછી ઓસ્ટ્રેલિયા, અને ન્યૂઝીલેન્ડ 1956માં આ ક્લબમાં જોડાયા. આ રીતે ફાઈવ આઈઝ અસ્તિત્વમાં આવ્યું.
સમય સાથે આ સંગઠને પોતાની જબરી પહોંચ વધારી છે અને વૈશ્વિક ગુપ્તચર અને સુરક્ષા ઓપરેશનનો એક અભિન્ન અંગ બન્યું છે. એવું કહેવાય છે કે આ સંગઠનનું નામ FIVE EYES એક ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ જેનું ટાઈટલ EYES ONLY હતું તેના પરથી મળ્યું છે. ઈન્ટેલિજન્સની દુનિયામાં EYES ONLY એક એવા દસ્તાવેજ હોય છે જે ખુબ જ ગોપનીય હોય છે અને તેમને ફક્ત જોઈ જ શકાય છે. આ દસ્તાવેજોની પ્રિન્ટ લઈ શકાય નહીં કે ન તો તેની કોપી કરી શકાય. તેને ફક્ત બસ વાંચી શકાય છે. આવું સુરક્ષાના કારણે કરવામાં આવે છે.
ચોંકાવનારી વાત એ છે કે આ ગુપ્તચર એજન્સી આટલા બધા સમયથી અસ્તિત્વમાં હતી તો પણ દુનિયાને તેની જાણકારી નહતી. આ સિલસિલો 1980ના દાયકા સુધી ચાલ્યો. એટલે કે 1950ના દાયકાથી અમેરિકા અને બ્રિટન આ રીતે બીજા દેશોની જાસૂસી કરતા હતા પરંતુ વાતો પબ્લિક ડોમિનમાં નહતી. આખરે 2010માં UKUSA સંધિની ફાઈલ જારી કરવામાં આવી ત્યારે દુનિયાને તેમના વિશે ખબર પડી.
કેનેડાના પ્રધાનમંત્રી આ ફાઈવ આઈઝનો સહારો લઈને ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. ટ્રુડોએ તેના ઈન્ટેલિજન્સના આધારે દાવો કર્યો છે કે ભારતના રાજનયિક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મામલામાં પર્સન ઓફ ઈન્ટરેસ્ટ છે. ભારતે ટ્રુડોના આ આરોપોને ફગાવી દીધા છે અને કાર્યવાહી કરતા દિલ્હીમાં કેનેડાના 6 રાજનયિકોને દેશ છોડવા જણાવી દીધુ. આ સાથે જ ભારતે કેનેડામાં પોતાના ઉચ્ચાયુક્તને પણ પાછા બોલાવી લીધા.
કેનેડામાં અમેરિકાના રાજદૂત ડેવિડ કોહેને કેનેડાની એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફાઈવ આઈઝ સભ્યો સાથે શેર કરાયેલી ગુપ્ત સૂચનાઓના આધારે જ કેનેડા આ દાવો કરી શક્યું કે નિજ્જરની હત્યામાં કથિત રીતે ભારત સરકારના એજન્ટોનો હાથ છે.
ટ્રુડોને લાગે છે કે આ ફાઈવ આઈઝનો સહારો લઈને તેના સભ્ય દેશો અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા તરફથી ભારત વિરુદ્ધ નિવેદનો અપાવીને પોતાની ડોમેસ્ટિક ઓડિયન્સ એટલે કે કેનેડામાં રહેલી શીખ કટ્ટરપંથીઓના તેઓ મત મેળવી શકશે. અત્રે જણાવવાનું કે કેનેડામાં પણ ચૂંટણી નજીક છે. કેનેડિયન સ્ક્રીપ્ટને ફોલો કરતા અમેરિકા પણ નિજ્જર મુદ્દે ભારતીય હિતો વિરુદ્ધ નિવેદનો ઓકી રહ્યું છે. અન્ય એક સાથી દેશ ન્યૂઝીલેન્ડે પણ આ મામલે નિવેદન આપ્યું છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાએ પણ નિવેદન આપ્યું હતું.
વાત જાણે એમ છે કે આ મામલે ભારત વિરુદ્ધ પ્રેશર પોલિટિક્સનો ઉપયોગ કેનેડા કરી રહ્યું છે અને તેઓ એવી વાતો કરી રહ્યા છે જે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓ આગળ અપરિપકવ, પાયાવિહોણા અને કાચા છે. ભારત કેનેડા આગળ કઈ દબાણમાં આવે તેવું નથી. તેણે તો કેનેડાના આવા આરોપોને ધડમાથા વગરના ગણાવીને ફગાવી દીધા છે.