નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો ફરીથી એકવાર પર્દાફાશ થયો છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે આતંકી મસૂદ અઝહર ગુમ થયો છે. પરંતુ હવે ભારતીય ગુપ્તચર સંસ્થાઓને જાણવા મળ્યું છે કે તે પાકિસ્તાનમાં જ છૂપાઈને બેઠો છે અને પાકિસ્તાનની સરકારને તેની જાણકારી પણ છે. સૂત્રોના હવાલે માહિતી મળી છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ મસૂદ અઝહરને લોકેટ કરી લીધો છે. એવું કહેવાય છે કે તે પાકિસ્તાનના બહાવલપુરમાં છૂપાઈ બેઠો છે. મસૂદ બહાવલપુરમાં જૈશના મુખ્યાલય મરકઝ એ ઉસ્માન કે જે રેલવે લિંક પાસે છે તેમાં હાજર છે. મરકઝ એ ઉસ્માનમાં મસૂદનું ઠેકાણું બોમ્બ પ્રુફ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1999માં પાકિસ્તાની આતંકીઓએ ભારતની ફ્લાઈટ IC-814ને હાઈજેક કરીને મસૂદ અઝહરને છોડાવ્યો હતો. લગભગ 21 વર્ષથી મસૂદ અઝહર પાકિસ્તાનમાં રહીને સતત ભારત વિરુદ્ધ આતંકી હુમલાઓના કાવતરા રચી રહ્યો છે. આ હુમલાના કારણે જ મસૂદ અઝહરને પાકિસ્તાનની સેના અને નેતાઓ બંને સન્માન અને સુરક્ષા આપે છે. 


એવી માહિતી મળી છે કે મસૂદ અઝહર જ્યાં છૂપાયો છે તે બહાવલપુર આતંકી હેડક્વાર્ટરની પાછળ છે. ત્યાં ખુબ સિક્યુરિટી પણ છે. એવું પણ કહેવાય છે કે બોમ્બ પ્રુફ હોવાના કારણે તે ઠેકાણા પર બોમ્બ વર્ષાની પણ કોઈ અસર નહીં થાય. મસૂદના અન્ય 3 ઠેકાણા પણ જાણવા મળ્યાં છે. જેમાં કસૂર કોલોની બહાવલપુર, મદરેસા બિલાલ બહસી ખેબર પખ્તુનખ્વા, અને મદરેસા મસ્જિદ એ લુકમાન ખેબર પખ્તુનખ્વા સામેલ છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2016માં થયેલા પઠાણકોટ હુમલા સંબંધિત જે ડોઝિયર પાકિસ્તાનને સોંપાયું હતું તેમાં એક ફોન નંબર એવો હતો જેની લિંક બહાવલપુર ટેરર ફેક્ટરી સંલગ્ન હતી. 


અઝહર પર પાકિસ્તાને દુનિયાને ગેરમાર્ગે દોરી
અત્રે જણાવવાનું કે અઝહરના એડ્રસની ભાળ એવા સમયે મળી છે કે જ્યારે પાકિસ્તાન ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની સામે સતત એમ કહે છે કે અઝહર ગુમ થયો છે. હાલમાં જ પાકિસ્તાને આતંકી હાફિઝ સઈદને ટેરર ફંડિગ માટે લગભગ 5 વર્ષની સજા ફટકારી છે તો અઝહર અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝકિઉર રહેમાન લખવી પર કાર્યવાહી ન કરવા બદલ તેની ધુલાઈ પણ થઈ રહી છે. 


અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અઝહર
મસૂદ અઝહર જૈશ એ મોહમ્મદનો ચીફ છે અને ભારતમાં ઘટેલી અનેક આંતકી હુમલાની ઘટનાઓનો માસ્ટર માઈન્ડ છે. ગત વર્ષ પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ  આતંકી હુમલાની જવાબદારી પણ જૈશ એ જ લીધી હતી. પાકિસ્તાનમાં હાજર જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર અંગે રિપોર્ટમાં કહેવાયું છે કે તેને ગુપચુપ રીતે જેલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો. ટોપ ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યાં મુજબ જૈશ ચીફનું સ્વાસ્થ્ય હાલ સારું નથી. ખરાબ સ્વાસ્થ્યના કારણે મસૂદ હાલ સંગઠનના કામથી દૂર છે અને તેનો ભાઈ બધુ કામ જુએ છે. મસૂદનો ભાઈ અબ્દુલ રઉફ અસગર જ હાલ આતંકની ફેક્ટરી ચલાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube