સિંગાપુરના ફાટેલા ઝંડાનો ફોટો પોસ્ટ કરનાર ભારતીય મૂળના કર્મચારીની નોકરી ગઈ
ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ફેસબુક પર સિંગાપુરના ઝંડાને ફાડીને તેની પાછળ ભારતીય રાષ્ટ્રધ્વજ દેખાડતો ફોટો પોસ્ટ કરનાર ભારતીય મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.
સિંગાપુર: ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ફેસબુક પર સિંગાપુરના ઝંડાને ફાડીને તેની પાછળ ભારતીય રાષ્ટ્રધ્વજ દેખાડતો ફોટો પોસ્ટ કરનાર ભારતીય મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. આ મામલે સિંગાપુરમાં ભારતીય મૂળના એક કર્મચારીની નોકરી ગઈ છે. ચેનલ ન્યૂઝ એશિયાના અહેવાલ મુજબ 14 ઓગસ્ટના રોજ અવિજીત દાસ પટનાયકે ફેસબુકના સિંગાપુર ઈન્ડિયન્સ એન્ડ એક્સપેટ્સ ગ્રુપ પેજ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં એક ટીશર્ટ પર સિંગાપુરનો ઝંડો બનાવાયો હતો અને તેને ચીરીને ભારતીય ધ્વજ જોવા મળી રહ્યો હતો. આ સમૂહમાં 11,000 સભ્યો છે.
પટનાયક લગભગ એક દાયકાથી સિંગાપુરમાં રહે છે. તેમણે 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' મથાળા સાથે આ તસવીર પોસ્ટ કરી હતી. પોસ્ટ બાદ ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોએ તેને 'અપમાનજનક' અને 'સિંગાપુરનું અપમાન' ગણાવ્યું હતું. જો કે પોસ્ટને તરત હટાવી લેવાઈ હતી.
ડીબીએસ બેંકે 19 ઓગસ્ટના રોજ પોતાના ફેસબુક પેજ પર કહ્યું હતું કે પટનાયકે આ તસવીર એ દેખાડવા માટે પોસ્ટ કરી હતી કે તે સિંગાપુરમાં રહેવા છતાં મનથી ભારતીય છે અને તેણે અપમાનજનક હોવાનો અહેસાસ થતા આ પોસ્ટ ત્યારબાદ હટાવી લીધી હતી. બેંકે ફેસબુક પર એક નિવેદન જારી કરીને કહ્યું કે પટનાયક હવે તેમનો કર્મચારી નથી. આ દરમિયાન ચેનલ ન્યૂઝ એશિયાએ અહેવાલ આપ્યો છે કે આ મામલે એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. (ઈનપુટ-ભાષા)