VIDEO: USમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસને આ વ્યક્તિની તલાશ, 10,000 $નું ઈનામ જાહેર
અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે.
નવી દિલ્હી: અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે. માર્યા ગયેલા વિદ્યાર્થીની ઓળખ તેલંગણાના શરત કોપુ તરીકે થઈ છે. કેન્સાસ શહેરના પ્રશાસને હવે શરતના હત્યારા અંગે ભાળ આપનાર માટે 10,000 ડોલરના ઈનામની જાહેરાત કરી છે. શરત તેલંગણાના વારંગલ જિલ્લાનો રહીશ હતો. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિજોરી-કેન્જસ સિટી (UMKC)માં અભ્યાસ કરી રહ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈએ શરતના ભાઈના હવાલે જણાવ્યું કે કેન્સાસની એક રેસ્ટોરામાં અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતું. જેમાં શરતને પાંચ ગોળીઓ વાગી હતી. હત્યાનો આ મામલો શુક્રવાર 6 જુલાઈનો હોવાનું કહેવાય છે. પોલીસે આ ઘટનાને લૂંટ અને હત્યાનો મામલો ગણાવ્યો છે. પોલીસે સંદિગ્ધ હુમલાખોરનો વીડિયો પણ જારી કર્યો છે. આ સાથે જ પોલીસ પ્રશાસને હત્યારાની ભાળ આપનારા માટે 10,000 અમેરિકી ડોલરના ઈનામની પણ જાહેરાત કરી છે.
પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેમણે રેસ્ટોરામાં ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. શરત કેન્સાસમાં રહેતો હતો અને હાયરસ્ટડિઝ માટે તેણે મિસૂરી યુનિવર્સિટીમાં એડમિશન લીધુ હતું. અમેરિકામાં આ અગાઉ પણ ભારતીયો પર હુમલાની ઘટનાઓ ઘટી છે.
અગાઉ ડિસેમ્બરમાં મિસિસિપી રાજ્યમાં લૂટફાટ દરમિયાન જલંધરના 21 વર્ષના સંદીપ સિંહની તેના ઘરની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.