વિદેશમાં ભારતીય છાત્રોના આ દેશમાં સૌથી વધારે મોત, 403 છાત્રો નથી આવી શક્યા રિટર્ન

Indian Students in Canada: કેનેડામાં 2018 પછી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. કેનેડાની જસ્ટિન ટ્રુડોની આગેવાનીવાળી સરકારે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવા માટે પગલાં લઈ રહી છે.
Indian Students in Canada: હાલમાં વિદેશ જવાનો ગુજરાતીઓમાં ક્રેઝ વધ્યો છે પણ સાવચેત રહો વિદેશમાં ભારતીય છાત્રોના મોતનો આંક પણ વધી રહ્યો છે. કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાસ કરીને હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુને લઈને બંને સરકારો વચ્ચેની તકરારને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આમ છતાં ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા જવાનો ઉત્સાહ ઓછો થયો નથી. કેનેડા, અમેરિકા અને બ્રિટન ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીના દેશોમાં સામેલ છે પરંતુ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુએ ચિંતા વધારી છે.
કેનેડામાં 2018 પછી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. કેનેડાની જસ્ટિન ટ્રુડોની આગેવાનીવાળી સરકારે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવા માટે પગલાં લઈ રહી છે. કેનેડા સરકાર 2024-25 શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા આ નવા સાવચેતીના પગલાં અમલમાં મૂકવાનું લક્ષ્ય રાખે છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા કહે છે કે વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે પ્રાંતો અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
સરકાર ભલે મસમોટી વાતો કરે પણ વિદેશમાં બે નંબરથી વિદેશ જવાની ઘેલછા પણ આ કારણ છે. હવે બ્રિટન અને કેનેડાએ તો નવા નિયમો લાદી દીધા છે. અમેરિકામાં તો પહેલેથી જ કડક નિયમો છે. વિદેશોમાં ભણતા ભારતીય સ્ટુડન્ટ્સની સલામતી અને સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા મુરલીધરને વ્યક્તિગત કેસો તરફ ધ્યાન આપવાનું અને ભવિષ્યમાં અનિચ્છનીય બનાવો રોકવાનું વચન આપ્યું હતું.
ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2018 થી વિદેશ મંત્રાલયે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના 403 મૃત્યુ નોંધ્યા છે. જેમાંથી 91 ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં મોત થયા છે. વિદેશ મંત્રાલયના ડેટા આ મૃત્યુને કુદરતી કારણો, અકસ્માતો અને તબીબી પરિસ્થિતિઓ સહિત વિવિધ કારણોને આભારી છે. વિદેશ મંત્રાલયના રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે કેનેડા બાદ બ્રિટનમાં 48, રશિયામાં 40, અમેરિકામાં 36 અને ઓસ્ટ્રેલિયામાં 35 વિદ્યાર્થીઓના મોત નોંધાયા છે.
તમારો લાકડવાયો ઘરમાંથી નીકળીને ક્યારેય પાછો આવશે કે નહીં એ ખબર ન હોવા છતાં વાલીઓ આંધળો વિશ્વાસ મૂકીને એજન્ટના હાથમાં તેમનું ભવિષ્ય મૂકે છે. ગેરકાયદે જનારા 10થી 12 મહિને પહોંચે છે ત્યાં સુધી એજન્ટોના જ ભરોસે રહે છે. સરકાર આ બાબતે સક્રિય છે. વિદેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સની સલામતી ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકી એક છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં યોગ્ય તપાસ અને ગુનેગારોને સજાની ખાતરી કરવા માટે જે-તે દેશના સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે કેનેડા બીજી પસંદગી
ફેબ્રુઆરી 2023માં વિદેશ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ડેટા અનુસાર, 5,67,607 ભારતીયો 2018 અને 2022 વચ્ચે કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદેશ ગયા હતા. આ સમયગાળા દરમિયાન કર્ણાટકના વધુ વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. 2018 અને 2022 ની વચ્ચે સૌથી વધુ 6,21,336 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. 3,17,119 વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે ગયા છે, જે અમેરિકા અને કેનેડા પછી ત્રીજા સ્થાને છે.
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અનુસાર, 2024 માં કેનેડિયન સરકાર નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓને ઓળખવા અને લાભો પ્રદાન કરવા માટે એક માન્યતા માળખું અપનાવવા જઈ રહી છે. નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સલાહકારો હોય છે, જેઓ સેવાઓની સુવિધા આપે છે અને તેમના વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સેવાઓ અને જરૂરિયાત મુજબ અન્ય સહાય વિશે માહિતી આપીને જોડવામાં મદદ કરે છે. DLIs પાસે મોટાભાગે તેમના પોતાના આવાસ અને સામુદાયિક આરોગ્ય સેવાઓ હોય છે જેનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. IRCC માનસિક સ્વાસ્થ્ય અથવા અન્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહેલા કોઈપણને તેમની શૈક્ષણિક સંસ્થા અથવા સમુદાય પર ઉપલબ્ધ સહાય સેવાઓ મેળવવા અથવા રાષ્ટ્રીય હોટલાઈનનો સંપર્ક કરવા વિનંતી કરે છે.