આવો..આવો..કરીને ભારતીયોને સામેથી બોલાવે છે આ દેશો, નથી પડતી વિઝાની જરૂર
Visa Free Entry For Indians: ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ 2024માં ભારત 82માં ક્રમે છે. ગતવર્ષે 84માં સ્થાને હતો. ત્યારે જાણવા જેવું છેકે, કયા-કયા દેશોમાં જવા માટે ભારતીયોને નથી પડતી વિઝા લેવાની જરૂર.
Visa Free Entry For Indians: સામાન્ય રીતે એક દેશમાંથી બીજા દેશમાં એન્ટ્રી લેવા માટે વિઝાની જરૂર પડતી હોય છે. એનો ચાર્જ પણ ખુબ મોટો થતો હોય છે. ત્યારે શું તમે જાણો છોકે, એવા ઢગલાબંધ દેશો છે જ્યાં ભારતીયો માટે હંમેશા લાલ જાઝમ પાથરેલી હોય છે. એવા ઘણાં દેશો છે જ્યા ભારતીયોને પ્રવેશ માટે નથી પડતી વિઝાની જરૂર. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બીજા ઘણાં દેશો એવા છે જે ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવા તત્પર બન્યા છે. થોડા સમયમાં નવી યાદી પણ આવી જશે.
કેમ દેશોમાં હંમેશા ભારતીયો માટે પાથરેલી હોય છે લાલ જાઝમ?
ખાસ કરીને ટુરિઝમ સેકટરને વેગ આપવા માટે હવે ધીરે ધીરે મોટા ભાગના દેશો વિઝાની પ્રોસેસ ફ્રી કરી રહ્યાં છે. એમાંય ભારતીયોનો હરવા ફરવાનો શોખ એવો છેકે, તેમના માટે હવે દુનિયાના ઢગલાબંધ દેશોએ પોતાના નિયમોમાં ફેરફાર કરીને અનેક છૂટછાટ ઉમેરી દીધી છે. તેથી આવા દેશો હંમેશા ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. એનું કારણ છેકે, ભારતીયો જો તેમના દેશમાં હરવા ફરવા માટે જાય તો ત્યાં ઢગલો રૂપિયા ખર્ચે છે, જેથી તેમના દેશમાં આર્થિક રીતે મોટો લાભ થાય છે.
વિઝિટર વિઝામાં 3 મહિના સુધી રોકાણની છૂટઃ
વિઝા ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા આ પ્રકારની સુવિધા આપનારા દેશો ભારતીય પ્રવાસીને 15 દિવસથી માંડી ત્રણ મહિના સુધી દેશમાં રોકાણ કરવા મંજૂરી આપવામાં આવે છે. તેમજ વિઝા પ્રક્રિયા સરળ હોવાથી ઝડપથી વિઝા મળે છે. ઈ-વિઝા અને અરાઇવલ વિઝા પ્રક્રિયામાં નિર્ધારિત દસ્તાવેજો અપલોડ કરી અરાઇવલ દરમિયાન તુરંત વિઝા મંજૂર કરવામાં આવે છે.
ક્યા દેશોમાં ભારતીયોને મળે છે વિઝા વિના પ્રવેશ?
ભારતીય પાસપોર્ટ ધારકો માટે સરળ વિઝા પ્રદાન કરી ટુરિઝમ પર નિર્ભર ઘણાં દેશો જીડીપીમાં વધારો કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલ 16 દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી એન્ટ્રી આપી રહ્યાં છે. ભારત માટે તેમણે પોતાના નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કરી દીધાં છે. થાઇલેન્ડ, ભૂતાન, હોંગકોંગ, માલદીવ, મોરિશિયસમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી છે.
કયા દેશો ઉતરતાવેંત એરપોર્ટ પર ભારતીયોને આપે છે વિઝાઃ
40 દેશોમાં વિઝા ઓન અરાઇવલ એટલે કે, ઉતરતાવેંત એરપોર્ટ પર જ વિઝા બનાવીને આપી દેવામાં આવે છે. એટલું નહીં 47 દેશો ઈ-વિઝા સુવિધા આપી રહ્યા છે. અરાઇવલ વિઝા સુવિધા આપનારા દેશોમાં ફિઝી, ઇન્ડોનેશિયા, ઈરાન, જમૈકા, જોર્ડન, નાઇઝિરિયા, કતાર, ઝિમ્બામ્વે, ટ્યૂનેશિયા વગેરે સામેલ છે. જેમાંથી ઘણા દેશો ઈ-વિઝા અને અરાઇવલ વિઝા બન્નેની સુવિધા આપી રહ્યા છે.
કયા-કયા દેશો ભારતીયોને આપે છે ઈ-વિઝા?
વિયેતનામ, રશિયા, યુએઈ, અજરબૈજાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, આર્જેન્ટિના, બહરીન, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ઓમાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, યુગાન્ડા, ઉજબેકિસ્તાન સહિતના દેશો ભારતીયોને ઈ-વિઝાની સુવિધા આપે છે.