દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશે મંદિરોની પવિત્રતા જળવાય તે માટે લીધુ આ પગલું
આમ તો ઈન્ડોનેશિયા આખી દુનિયામાં સૌથી મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ તેના એક દ્વીપ બાલીને સૌથી ખુબસુરત મંદિરો માટે ઓળખવામાં આવે છે.
કંબોડિયા: આમ તો ઈન્ડોનેશિયા આખી દુનિયામાં સૌથી મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ તેના એક દ્વીપ બાલીને સૌથી ખુબસુરત મંદિરો માટે ઓળખવામાં આવે છે. આ મંદિરોને જોવા માટે આખી દુનિયામાંથી લોકો આવે છે. પરંતુ હવે ઈન્ડોનેશિયાના પ્રાચીન મંદિરોની દેખરેખ કરનારા પ્રશાસને નક્કી કર્યુ છે કે તે એવા વિદેશી ટુરિસ્ટોને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવશે જે મંદિરોમાં ધાર્મિક ભાવનાનો ખ્યાલ નથી રાખતા. આ દિશામાં બાલી પ્રશાસન એક પહેલ કરવા જઈ રહ્યું છે. બાલી પ્રશાસન હવે ટૂંકા બોલ્ડ કપડાંમાં ફરતા વિદેશી પર્યટકોને મંદિરમાં એન્ટ્રી આપશે નહીં. મંદિર સામે બિકિનીમાં ફોટો પડાવે છે તેવા પર્યટકો ઉપર પણ કડકાઈ વર્તવામાં આવશે.
બાલીના ડેપ્યુટી ગવર્નર જોકોરદા ઓકા આર્થા સુકાવાતીએ કહ્યું કે હાલમાં જ જોવામાં આવ્યું છે કે અહીં આવનારા વિદેશી પર્યટક પવિત્ર મંદિરની ભાવનાનો ખ્યાલ રાખતા નથી. તેઓ પોતાના વ્યવહારથી મંદિરનું અપમાન કરે છે. રીજીયોનલ કાઉન્સિલની મિટિંગમાં સુકાવાતીએ કહ્યું કે પ્રશાસનની જવાબદારી છે કે તેઓ પૂરા(મંદિર)ની પવિત્રતાનું ધ્યાન રાખે. આપણી જવાબદારી છે કે આપણે બાલીની સંસ્કૃતિ અને મંદિરની પવિત્રતાને તે રૂપમાં જાળવી રાખીએ.
તેમણે કહ્યું કે આગામી અઠવાડિયે તેઓ આ પ્રકારના ટુરિસ્ટને રોકવા માટે નવી સિસ્ટમ બનાવશે. બાલી દુનિયાભરમાં પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 2017માં અહીં 50 લાખથી વધુ વિદેશી પર્યટકો આવ્યાં હતાં. અહીં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ત્યાંના હિંદુઓના મંદિર છે.
થોડા સમય પહેલા બાલીમાં લિંગીહ પદ્માસન મંદિરની સામે ડેન્માર્કની એક યુવતીએ આવો જ એક આપત્તિજનક ફોટો પડાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રશાસનની ખુબ ટીકા થઈ હતી. ત્યારબાદ આ પગલાં લેવાવાની તૈયારીઓ થઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ઈશનિંદા કાયદો ખુબ કડક છે. હવે ઈન્ડોનેશિયાની હિંદુ રીલિજીયસ કાઉન્સિલે પોલીસને કહ્યું છે કે તેઓ પદ્માસન મંદિરમાં થયેલી આ ઘટનાની તપાસ કરે.