નવી દિલ્હી: ઈરાને કહ્યું છે કે તે ભારતને ક્રુડ ઓઈલની આપૂર્તિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે. તેણે ભારપૂર્વક કહ્યું કે તે ભારતનો ભરોસેમંદ ઉર્જા ભાગીદાર રહ્યો છે. ઈરાનના દૂતાવાસે આ સ્પષ્ટીકરણ એવા સમયે આપ્યું છે જ્યારે તેના ઉપ રાજદૂત મસૂદ રિઝવાનિયન રહાગીએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે અમેરિકી પ્રતિબંધો બાદ જો ભારતે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાતમાં કાપ મૂક્યો તો ઈરાન ભારતને મળનારી ખાસ સવલતો બંધ કરી નાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂતાવાસે કહ્યું કે તે અસ્થિર ઉર્જા બજારને પહોંચી વળવામાં ભારતને પડી રહેલી મુશ્કેલીઓને સમજે છે. તેણે કહ્યું કે ઈરાન દ્વિપક્ષીય વ્યાપાર ખાસ કરીને ઈરાની ઓઈલની આયાતને જાળવી રાખવા માટે વિભિન્ન પગલા ઉઠાવીને ભારતની ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે.


રહાગીએ બુધવારે કહ્યું હતું કે જો ભારતે સાઉદી અરબ, રશિયા, ઈરાક, અમેરિકા કે અન્ય કોઈ દેશ પાસેથી ઓઈલ માંગવાની કોશિશ કરી તો ઈરાન ભારતને મળનારી ખાસ સવલતોને બંધ કરશે. એક દિવસ પહેલા પણ ચાબહાર પોર્ટને લઈને ઈરાને ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.


ઈરાને આરોપ લગાવ્યો હતો કે ભારત તેને આપેલા વચનથી ફરી ગયુ છે. વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ચાબહાર પોર્ટમાં વચન મુજબ રોકાણ નહીં કરવા બદલ ભારતની આકરી ટીકા કરતા ઈરાને કહ્યું હતું કે જો ભારત ઈરાન પાસેથી તેલની આયાત પર કાપ મૂકશે તો તેને મળનારા વિશેષ લાભ ખતમ થઈ શકે છે.


ઈરાનના ઉપ રાજદૂત અને ચાર્જ ડિ અફેર્સ મસૂદ રઝવાનિયન રહાગીએ કહ્યું કે જો ભારત અન્ય દેશોની જેમ ઈરાનથી ક્રુડ
ઓઈલની આયાત ઓછી કરીને સાઉદી અરબ, રશિયા, ઈરાક અને અમેરિકાથી તેલની આયાત કરશે તો તેને મળનારા વિશેષ લાભ ઈરાન ખતમ કરશે. તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચાબહાર પોર્ટ અને તેને સંલગ્ન પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવેલા રોકાણના વચનો હજુ સુધી પૂરા થયા નથી.


તેમણે કહ્યું કે જો ચાબહાર પોર્ટમાં તેમનો સહયોગ અને ભાગીદારી વ્યુહાત્મ રીતે મહત્વપૂર્ણ છે તો ભારતે આ સંબંધે તરત જરૂરી પગલાં લેવા જોઈએ. ઈરાક અને સાઉદી અરબ બાદ ઈરાન ભારત માટે ત્રીજો સૌથી મહત્વપૂર્ણ ક્રુડ ઓઈલ આપૂર્તિકર્તા દેશ છે. ઈરાને એપ્રિલ 2017થી જાન્યુઆરી 2018 સુધીમાં (2017-18 નાણાકીય વર્ષના શરૂઆતના 10 મહિનામાં) ભારતને 1.84 કરોડ ક્રુડ ઓઈલની આપૂર્તિ કરી હતી.


અત્રે જણાવવાનું કે ઈરાન સાથે પરમાણુ સંધિમાંથી બહાર નિકળી ગયા બાદ અમેરિકાએ ભારત અને અન્ય દેશોને 4 નવેમ્બર સુધીમાં ઈરાનથી તેલની આયાત શૂન્ય કરવા માટે અને જો ન કરે તો પ્રતિબંધોનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ વર્ષ મેમાં ઈરાન સાથેની પરમાણુ સંધિને રદ કરવાની જાહેરાત કર્યા બાદ અમેરિકાએ આ ખાડી દેશ પર ફરીથી પ્રતિબંધ લગાવ્યાં છે.