બગદાદ: ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા બાદથી અમેરિકા (USA)  અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જોવા મળી રહ્યો છે. યુદ્ધના ભણકારાથી વિશ્વ થરથરી રહ્યું છે. સુલેમાનીના મોતના એક દિવસ બાદ ઈરાકમાં અમેરિકી ઠેકાણા પર રોકેટ અને મોર્ટાર હુમલા થયા. રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ અને બલાદ એરબેસ પર શનિવારે મોડી રાતે ઈરાન સમર્થક મિલિશિયાએ અનેક રોકેટ છોડ્યાં. આ બધા વચ્ચે ઈરાકના હિજબુલ્લાએ દેશના સુરક્ષાદળોને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકી ઠેકાણાઓથી 1000 મીટર દૂર જતા રહે. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રોકેટ હુમલા બાદ ધમકી આપી છે કે અમેરિકી લોકો અને ઠેકાણાઓ પર હુમલા કરનારા લોકો કે તેનો ઈરાદો રાખનારા લોકોને શોધી શોધીને ખાતમો કરાશે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમારા ઠેકાણાઓ પર હુમલો કર્યો તો અમે તેના 52 ઠેકાણાઓ પર ભીષણ હુમલા કરીશુ અને તેને બરબાદ કરી નાખીશું. 


આ અગાઉ શનિવારે મોડી રાતે ઈરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં અનેક મોર્ટાર બોમ્બ છોડાયા અને અમેરિકી સૈનિકોના ઠેકાણા પર કેટલાક રોકેટ પડ્યાં. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે બગદાદમાં શનિવારે સાંજે મોર્ટારના ગોળા ગ્રીન ઝોનમાં આવીને પડ્યાં. આ વિસ્તાર ઉચ્ચ સુરક્ષાવાળો છે જ્યાં અમેરિકી દૂતાવાસ છે. ઈરાકી સેનાએ કહ્યું કે એક રોકેટ ઝોનની અંદર જઈને પડ્યું. આ હુમલા બાદ વિસ્તારમાં સાઈરનો વાગવા માંડી અને હેલિકોપ્ટર મંડરાતા જોવા મળ્યાં. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube